મંગળા આરતીમાં 1 લાખથી વધુ ભક્તો ઉમટ્યા : દાદાને 8 કિલો સોનાંમાંથી બનેલાં વાઘા પહેરાવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
આજે સમગ્ર દેશમાં રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દાદાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મંગળા આરતીમાં જ 1 લાખથી વધુ ભક્તો દાદાના દર્શને ઉમટ્યા હતાં. દાદાને આજે 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા છે. મહત્ત્વનું છે કે, આજે દાદાની મંગળા આરતી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી . સવારે 7 વાગ્યે શણગાર આરતી હરિપ્રકાશ સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
આ પછી દાદાના બર્થ ડેનું સેલિબ્રેશન, સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ અનેક વિધ કાર્યક્રમનો પ્રારંભ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) અને સંતો દ્વારા ભક્તો સાથે કરવામાં આવ્યો હતો. આ પછી દાદાને 1 હજાર કિલો મીઠાઈનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આજે દાદાના મંદિર અને સિંહાસને કરાયેલાં શણગાર અંગે પૂજારી ધર્મકિશોર સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, “આજે દાદાના મંદિરને 5 હજાર કિલો ગલગોટા અને 5 હજાર ફુગ્ગાનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસનને 50 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. દાદાને આજે 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા છે. દાદાના મંદિર અને સિંહાસને કરાયેલાં ગલગોટા અને ગુલાબના ફુલનો શણગાર માટે વડોદરા અને કોલકાતાથી ફુલ મંગાવ્યા છે. એક દિવસની મહેનતે આ શણગાર કરાયો છે.”