મહાનગરપાલિકાના શાસકોની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસનો ધમધમાટ
મનપા ફૂડ કોર્ટ સંચાલન, દુકાનોનું વેચાણ, સ્ક્રેપ વાહન વેચાણ, સર્કલ ડેલવપમેન્ટ, પે એન્ડ પાર્કિંગમાંથી 3.24 કરોડની આવક ઉભી કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આજે વર્તમાન શાસકોની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કુલ 115 દરખાસ્તો મુકવામાં આવી હતી જેમાં 1 પેન્ડિંગ, 2 દરખાસ્ત નામંજૂર અને 6 દરખાસ્તોને રિટેન્ડર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા હતા. વિવિધ વોર્ડમાં રોડ, બ્રિજ, ડ્રેનેજ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને વોટરવર્ક્સ સંબંધિત કામો માટે કરોડો રૂપિયાના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા.
એજન્ડા મુજબ વોર્ડ નં. 10માં નવી વોર્ડ ઓફિસ અને રોશની શાખાના સ્ટોરનું નિર્માણ, વોર્ડ નં. 04માં આજી નદી પર ભગવતીપરા-5 પાસે બેઠું નાળું બનાવવાનું તેમજ વોર્ડ નં. 12માં પુનિતનગર વિસ્તારમાં સ્લેબ કલવર્ટ વાઇડનિંગનું કામ હાથ ધરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. પૂર્વ ઝોન વિસ્તારમાં પાંચ અલગ-અલગ સ્થળોએ આંગણવાડી બનાવવાના પ્રસ્તાવો પણ એજન્ડામાં સામેલ હતા. આ ઉપરાંત વોર્ડ નં. 16માં જંગલેશ્વર મેઈન રોડ પર શાળા નં. 70 પાસે સ્લેબ કલવર્ટ બનાવવાનું, વોર્ડ નં. 18માં મુખ્ય રસ્તાઓ પર ડિવાઇડર બનાવવાનું, તેમજ વોર્ડ નં. 08માં લક્ષ્મીનગર વિસ્તારમાં ટોયલેટ બ્લોક બનાવવાના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં રસ્તા, ગટર અને પાણી પુરવઠા સંબંધિત કામો માટે ઝોનલ કોન્ટ્રાક્ટ અંગેના મુદ્દાઓ પણ બેઠકમાં સામેલ કરવામાં આવ્યા હતા. સાથે સાથે શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને માર્કેટ બનાવવાના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સ્વચ્છતા કામગીરી માટે પાર્ટ ટાઈમ સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટ, મહાનગરપાલિકાની મિલકતોના ઈ-ઓક્શન, તથા કર્મચારીઓ માટે તબીબી સહાય સંબંધિત મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.



