ગંદકીથી ખદબદી રહેલો આ વિસ્તાર નર્કથી બિલકુલ કમ નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
રાજ્યમાં વિકાસની વાતો ચો તરફ થઈ રહી છે અને વિકાસના મુદ્દે છેલા ત્રીસ વર્ષ કરતા પણ વધુ સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલું જ નહીં પરંતુ આ વિકાસના મુદ્દે હવે રાજ્યના મોટાભાગની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ ભાજપના શાસનમાં છે છતાં હજુય કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન તો છે પણ વિકાસ નથી ! જેમાં પાટડી શહેર પણ હવે વિકસિત શહેર તરીકે જાણીતું થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના શહેર પાટડી ખાતે ભાજપનું શાસન છે પરંતુ વિકાસ અને સ્વચ્છતાના નામે અહીં સરકારોની વાતોથી ક્યાંય દૂર છે. પાટડી શહેરના કલાળા દરવાજા વિસ્તાર તરીકે જાણીતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નર્કાગાર જેવી સ્થિતી નજરે પડે છે અહીં વિસ્તારમાં 70 જેટલા પરિવારો વસવાટ કરે છે અને તેમાંથી મોટાભાગના મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી તેઓ અશિક્ષિત પણ હશે
- Advertisement -
ત્યારે અહીં વિસ્તારમાં ગટરના ગંદા પાણી કેટલાય સમયથી રોડ પર ફરી વળે છે જેના લીધે રોડ પર દુર્ગંધ મારતા ગંદા કીચડ અને કડવું સામ્રાજ્ય જામ્યું છે. આ સ્થિતિમાં છેલ્લા કેટલાય સમયથી જીવતા અહીંના સ્થાનિકો જણાવે છે કે કલાળા દરવાજા વિસ્તાર પાટડી નગરપાલિકાના નકશામાં નહીં હોય જેના લીધે અહીં કોઈ સફાઈ કે પ્રાથમિક સુવિધા મળી નથી રહી અને વિકાસ જેવી વાતો તો અહીં વિસ્તારથી બાર ગાવ છેટી હોય તેવી સ્થિતિ છે જોકે આ વિસ્તારના રહીશો દ્વારા સ્વછતા અને ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ રહેવાના મુદ્દે અનેક વખત સ્થાનિક નગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ ક્યારેય કોઈ ઉકેલ આવ્યો નથી વળી તેવામાં પાટડી ખાતે ભૂગર્ભ ગટરમાં સફાઈ કર્મચારીના મોત મામલે ચીફ ઓફિસર અને એસ.આઇ વિરુધ ગુન્હો નોંધ્યો હોવાથી રજૂઆત કોને કરવી ? તેવો પ્રશ્ન ઉદ્ભવે છે. આ તરફ આખાય વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા અહીં રહેણાક મકાનોના આંગણા સુધી આ ગંદા પાણી પહોંચે છે જેથી બહારથી આવતા કોઈપણ ઘરના સભ્ય અથવા મહેમાન ગંદા પાણીમાંથી થઈને ઘરમાં પ્રવેશે છે જેના લીધે ઘરમાં પણ નાના બાળકોથી માંડીને વૃધ્ધ બીમારીનો ભોગ બને છે સાથે જ મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ હોવાથી અહીંના સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ઊઠયા છે તેવામાં પાટડીના કલાળા દરવાજા વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે ગંદકી અને ગટરના ગંદા પાણીનો કાયમી નિકાલ થાય તેવી માંગ પણ કરી છે.



