આદિ શંકરાચાર્યના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓ આ પ્રશ્ર્નનો જવાબ આપે છે
અદ્વૈત મતના પ્રવર્તક આદિશંકરાચાર્ય આત્મા અને બ્રહ્મ વચ્ચેનો ભેદ સ્વીકારતા ન હતા. જીવ અને શિવ એક જ છે એવું માનતા હતા. એક વાર તેઓ પ્રાચીન કાશી નગરીમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને મણિકર્ણિકા ઘાટ તરફ સ્નાનાર્થે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એક બિહામણા કુરૂપ માણસે તેમનો માર્ગ અવરોધ્યો. નિષાદ જેવા દેખાતા એ મનુષ્યને જોઈને શંકરાચાર્યે કહ્યું,”મારે સ્નાન માટે જવામાં વિલંબ થાય છે, તું મારા રસ્તામાંથી ખસી જા.” તે ભીલ જેવા દેખાતા માણસે સામે પ્રશ્ન કર્યો,”તમે કોને ખસી જવાનું કહો છો? મારા દેહને કે આત્માને? સાકારને કે નીરાકારને? જડને કે ચેતનને? મારું શરીરતો જડ છે એ કેવી રીતે ખસી શકે? મારો આત્મા તો સર્વવ્યાપી છે. એ ખસી જશે તો પણ અહીજ રહેશે.” આદિશંકરચર્યની દૃષ્ટિ ખૂલી ગઈ કે સામે ઊભેલો નિષાધ પોતાને કટાક્ષમાં કહી રહ્યો છે કે આ જ તમારો અદ્વૈત વાદ જે જીવ અને બ્રહ્મમાં ભેદ કરે છે? એટલી વારમાં સામે ઊભેલો નિષાદ અલોપ થઈ ગયો
- Advertisement -
અને ત્યાં દિવ્ય સ્વરૂપ વાળા ભગવાન મહાદેવ દૃશ્યમાન થયા. આદિ શંકરાચાર્ય આશ્ચર્ય મુગ્ધ થઈને એમને વંદી રહ્યા. મહાદેવના હાથમાં ચાર વેદ હતા. મહાદેવે આદિ શંકરાચાર્ય ને ચાર વેદ સોંપીને ભારતભૂમિમાં વૈદિક સનાતન ધર્મની પુન: સ્થાપના અને નવ જાગૃતિ કરવાનો આદેશ આપ્યો. બીજી એક આવી જ ઘટનામાં ગોવાલણી સ્વરૂપે મા ભવાનીએ આદિ શંકરાચાર્યને દર્શન આપ્યા હતા. આપણા જેવા સામાન્ય મનુષ્યોને મહાદેવ અને મા પાર્વતી આટલી સહેલાઈથી દર્શન આપે નહી પરંતુ ઉત્કટ ભાવે એમની આરાધના કરવામાં આવે, સંપૂર્ણ રીતે સદાચારી બનીને એમની ભક્તિ કરવામાં આવે, તો મહાદેવ અને પાર્વતી કોઈ ને કોઈ રૂપે આપણને દર્શન આપીને પ્રતીતિ તો જરૂર કરાવે જ.