જિલ્લાનાં રાજા ગણાતા કલેક્ટરનું કંઈ ઉપજતું નથી?
માલિયાસણ ગામ પાસે ટોલનાકું નહીં બને તેવી ખાતરી આપી હતી, આજે સવારે પોલીસના ધાડેધાડા ઉતર્યા અને જબરજસ્તીથી જમીનનો કબજો લઈ લીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી અમદાવાદ જતા માલિયાસણ ગામ પાસે હાલ ટોલનાકું બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સવારે ટોલનાકું જ્યાં બનવાનું છે ત્યાં પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા લગભગ 200 જેટલા પોલીસ પહોંચી ગયા હતા અને વહીવટી તંત્રનું બૂલડોઝર ફરી વળ્યું હતું. બૂલડોઝરે ત્યાં પહોંચીને રસ્તાની સાઈડમાં આવેલા વૃક્ષોનો સોથ બોલાવી દીધો હતો. આ અંગે જેની જમીનનું સંપાદન થયું છે તે ચંદુભાઈ પરમારે ખાસ ખબર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ટોલનાકા માટે 11,200 ચો.મી. જમીન કાયદેસર રીતે કપાતમાં આવે છે જ્યારે વહીવટી તંત્રએ 15,400 ચો.મી. જમીનને કબજામાં કરી લીધી છે અને 3800 ચો.મી.જમીન જે વધારાની કપાત કરી તેનું વળતર પર ચૂકવવામાં આવ્યું નથી. આજે સવારે જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને પોલીસનો કાફલાએ આવીને જબરજસ્તીથી કબજો લઈ લીધો. જ્યારે તંત્ર પાસે માપણીશીટ અને જમીન રેકર્ડ માંગણી કરી તો કંઈ જવાબ ન આપ્યો. માલિયાસણ પાસે ખેતીની જમીનમાં ટોલનાકું બનાવવાના આયોજનમાં કરાયેલા જમીન સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરાઇ છે.
આ સાથે બિનખેતી કરવા પર જમીનને બજાર ભાવ પ્રમાણે વળતર અપાયું છે, જ્યારે સંપાદન થયેલી ખેતીની જમીનનું વળતર બજાર ભાવથી 10 ટકાથી પણ ઓછું અપાયું છે. ખેડૂતોને અપાયેલા વળતર અને લાભમાં તફાવત રખાયો છે. સંપાદન અર્થે જાન્યુઆરીમાં ખેડૂત ખાતેદારને જાણ કર્યા વિના તંત્ર દ્વારા ખેતરમાં ઊભા મોલમાં હિટાચી, જેસીબી ફેરવી દેતા પાકમાં નુકસાન થયું છે. હજુ તંત્રની નજર વધુ ખેડૂતોની જમીન પર છે. ઉલ્લેખનીય છે કે, સરકારી ખરાબાની ઘણી જમીન હોવા છતાં માલિયાસણની સીમમાં ખેડૂત મિત્રોની જમીન ઉપર ટોલનાકું બનવાનું છે જેથી ખેડૂતોને મોટી નુકશાની છે, શહેરના ખેતપેદાશો સંગ્રહ કરવાના મોટા ભાગના ગોડાઉન જ્યાં છે એની પહેલા આ ટોલ પ્લાઝા બનશે જેનાથી શહેરના નાગરિકોને મોંઘવારીનો માર પડશે.
બજાર કિંમત કરતા જમીનની ઓછી કિંમત અપાઈ, નોટિસ આપ્યા વગર જ વહીવટી તંત્રએ કબજો લીધો
- Advertisement -
અરજદારોએ જમીન રેકર્ડ અને માપણી શીટની તંત્ર પાસે માંગણી કરી તો કંઈ જવાબ ન મળ્યો
માલિયાસણ પાસે ટોલનાકું નહીં બને તેવો કલેક્ટરનો વાયદો ખોટો ઠર્યો
રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ એવું જણાવ્યું કે, હવે આ ટોલનાકુ બનવાનું નથી, ચિંતા કરશો નહીં, પણ તંત્ર દ્વારા ટોલનાકુ બનાવવા માટે હાલમાં ખેડૂતોની જમીનનો કબજે લેવા ફરીથી પ્રયત્નો શરૂ થઈ રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી. માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયનું રાજકીય લોકોએ નિરાકરણ લાવવું જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ રજૂઆત કરી હતી ત્યારે રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા રાજકોટ શહેરના અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર હતા. છતાં આજે સવારે પ્રાંત અધિકારી અને ટીમે આવીને ટોલનાકા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી.