સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાળનો આજે ત્રીજો દિવસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પોતાની પડતર માગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે, જેના કારણે રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. આ હડતાળને પગલે સમગ્ર રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેની અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા, અનાજ લેવા પહોંચેલા નાગરિકોને નિરાશા મળી હતી અને તેઓ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા હતા. વેપારીઓની હડતાળને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન આ હડતાળનું નેતૃત્વ કરી રહ્યું છે અને તેમની મુખ્ય માગણીઓ વર્ષોથી પડતર છે. વેપારીઓ આ માંગણીઓ પર મક્કમ છે, જેના કારણે સરકાર અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી.
દુકાનદારો મુખ્યત્વે તેમના કમિશન દરોમાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી રહ્યા છે. વિવિધ વહીવટી અને ટેકનિકલ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું. 80% બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરતો પરિપત્ર રદ કરવાની માગ. ’સિંગલ ફિંગર બાયોમેટ્રિક કોડ’ની જોગવાઇ પણ રદ્દ કરવાની માગણી છે. રાજકોટમાં પણ સસ્તા અનાજના ધંધાર્થીઓએ સતત ત્રીજા દિવસે દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.રાજકોટમાં 700થી વધુ સસ્તા અનાજની દુકાનો છે, જે તમામ બંધ રહેતા રાશનિંગ ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
રાજકોટના સસ્તા અનાજના ધંધાર્થીઓ એકત્ર થઈને પોતાની માગણીઓને લઈને મક્કમતા બતાવી રહ્યા છે. આ હડતાળને કારણે, સરકારી યોજના હેઠળ સસ્તા દરે અનાજ મેળવતા લાખો પરિવારો સીધી અસર હેઠળ આવ્યા છે. વેપારીઓ અને સરકાર વચ્ચે વહેલી તકે સમાધાન થાય તે જનતા માટે અનિવાર્ય છે, જેથી અનાજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત થઈ શકે.



