પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓએ કોર્ટના આદેશનું અનાદર કર્યો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વીજ વાયર નાખવાના કામને લઇ ઘર્ષણ સામે આવે છે ત્યારે આગાઉ વાવડી ગામે ખેડૂતના ખેતરમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા વીજ વાયર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેને લઈ ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે માથાકુટ થઈ હતી જે બાદ ખેડૂત જાદવજીભાઈ પટેલ દ્વારા ધ્રાંગધ્રા સિનિયર સિવિલ કોર્ટ ખાતે પાવરગ્રીડ કંપની સામે કેસ દાખલ કર્યો હતો જેને લઇ કોર્ટ દ્વારા ખેડૂતના પક્ષમાં ચુકાદો આપી તાત્કાલિક પાવરગ્રીડ કંપનીને ખેડૂતના ખેતરમાં કામ બંધ કરવા કામ ચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો હતો. સિનિયર સિવિલ કોર્ટના મનાઈ હુકમ બાદ પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં વીજ વાયર નાખવાનું કામ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કર્યું હતું. ખેડૂતે કોર્ટમાંથી મનાઈ હુકમ છતાં પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા કામ શરૂ કરતા ખેડૂતે કોર્ટના આદેશનો અનાદર કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો આ તરફ પાવરગ્રીડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર ગોપાલભાઈ સાથે ટેલીફોનીક વાતચીતમાં પોતે કોઈપણ પ્રકારની માહિતી ફોન દ્વારા આપવાની મનાઈ કરી હતી. ત્યારે બીજી તરફ કોર્ટના મનાઈ હુકમનું અનાદર કરી કામ શરૂ કરતા પાવરગ્રીડ સામે ખેડૂત ફરીથી કોર્ટના શરણે ગયા હતા. ત્યારે હવે પાવરગ્રિડ કંપનીના કર્મચારીઓ દ્વારા કોર્ટના આદેશનું અનાદર કરવાની અરજીને લઈ સિવિલ કોર્ટ કંપની સામે કેવા પ્રકારના પગલા ભરશે ? તે જોવું રહ્યું.
- Advertisement -
પોલીસ પણ ખાનગી કંપની સામે મૂકપ્રેક્ષક બની
વાવડી ગામના જાદવજીભાઈ પટેલના ખેતરમાં પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કરવાના આદેશ અને કામ ચલાઉ મનાઈ હુકમ બાદ પણ કંપનીના કર્મચારીઓ દ્વારા કામ શરૂ કરાયું હતું જેમાં પોલીસ પણ ખાનગી કંપની પાસે કોર્ટના આદેશનું પાલન કરાવવાને બદલે મૂકપ્રેક્ષક બની બેઠી હતી.
કંપનીએ કોર્ટના આદેશનો અનાદર કરી કામ ફરી શરૂ કર્યું
- Advertisement -
વાવડી ગામે કોર્ટના આદેશનું અનાદર કરવા મામલે પાવરગ્રીડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સાથે ટેલીફોનીક વાતચીતમાં રૂબરૂ આવીને વાતચીત કરવાની આગ્રહ રાખ્યો હતો અને કામગીરી શરૂ રાખતા અંતે ખેડૂતે ફરીથી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.



