વિકાસના નામે વિનાશ? બેફામ ખોદકામથી રસ્તાઓ બિસમાર, અકસ્માતો વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસની આશાઓ હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. શહેરના તમામ રસ્તાઓ બિસમાર બની ગયા છે, અને પરિસ્થિતિ એવી છે કે જાણે વઢવાણ શહેર ’ખાડાનગર’માં પરિવર્તિત થઈ ગયું હોય.
- Advertisement -
સ્થાનિક નાગરિકો, જેમાં હનીફભાઈ અને ચંદુભાઈ જેવા અગ્રણીઓનો સમાવેશ થાય છે, તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે વઢવાણમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે, અને વઢવાણની એક પણ ગલી કે શેરી એવી નથી જ્યાં ખાડાઓ ન હોય. આ સ્થિતિને કારણે હેરિટેજ વઢવાણમાં ખાડાવાળા રસ્તાઓ પોતે જ હેરિટેજ બની ગયા હોય તેવું કટાક્ષમાં કહેવાઈ રહ્યું છે.
વઢવાણના આ બિસમાર રસ્તાઓ, ખાસ કરીને સુરેન્દ્રનગર-વઢવાણ રાજમાર્ગ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડામાં વાહનો પડવાના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, અને રિક્ષા સહિતના વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
વઢવાણ મહાપાલિકામાં ભળ્યા બાદ પણ રસ્તાઓની આ દયનીય સ્થિતિ ક્યારે સુધરશે અને નાગરિકોને ખાડામુક્ત રસ્તાઓ મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. શું તંત્ર આ મામલે કોઈ નક્કર પગલાં ભરશે?