ખાસ-ખબર સંવાદદાતા
ચીનનું સ્ટીલ ડિસ્કાઉન્ટ ભાવે મળી રહ્યું હોવાથી ભારતના ટ્રેડરો તેની વધુને વધુ ખરીદી રહ્યા છે જેને પરિણામે દેશના સ્ટીલ ઉત્પાદકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઘરઆંગણે માગની મોસમ પહેલા ટ્રેડરો સસ્તા સ્ટીલનો સ્ટોક જમા કરી રહ્યા છે. હોટ રોલ્ડ તથા કોલ્ડ રોલ્ડમાં પ્રતિ ટન 35થી 55 ડોલર જેટલું ડીસ્કાઉન્ટ મળી રહ્યાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.
ઊંચા ડીસ્કાઉન્ટસને કારણે ભારતના ખરીદદારો શ્રેણીબદ્ધ આયાત કરાર કરી રહ્યા છે. ચોમાસુ સમાપ્ત થવા સાથે આગામી બે મહિનામાં ઘરઆંગણે બાંધકામ પ્રવૃત્તિ શરૂ થવા સાથે સ્ટીલની માગમાં વધારો જોવા મળશે તેવી ટ્રેડરોને ખાતરી છે. ભારતના ટ્રેડરો ખાસ કરીને એવા સ્ટીલની ખરીદી કરી રહ્યા છે, જે બાંધકામ તથા ઓટો ક્ષેત્રમાં મોટેપાયે વપરાય છે, એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
- Advertisement -
વિશ્વની અન્ય બજારોની સરખામણીએ ભારત ખાતેથી માગ વધુ નીકળવાની ચીનના સ્ટીલ ઉત્પાદકોને આશા છે અને માટે તેઓ ભારતના ખરીદદારોને ડીસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. બંદરોની નજીકના વિસ્તારના ટ્રેડરોને ચીન ખાતેથી માલ મંગાવવાનું સસ્તુ પડી રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ચીનના સસ્તા સ્ટીલને કારણે ભારતીય સ્ટીલ ઉત્પાદકોનો બજાર હિસ્સો ઘટી શકે છે. ચીનની આયાત અમારી માટે જોખમી હોવાનું એક સ્ટીલ ઉત્પાદકે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું.