ચોટીલા તાલુકા પંચાયત કચેરીની તપાસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક તપાસણી કરી હતી. તેમણે કચેરીની તમામ 14 શાખાઓની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
તપાસણી દરમિયાન મહેસૂલ, વિકાસ, બાંધકામ, સિંચાઇ, આંકડા, શિક્ષણ, પશુપાલન, સમાજ કલ્યાણ, સહકાર, ખેતીવાડી, આરોગ્ય, હિસાબી, રજિસ્ટ્રી અને દબાણ શાખાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કર્મચારીઓની હાજરી પત્રકની ચકાસણી કરી અને મોડા આવતા કર્મચારીઓની વિગતો તપાસી હતી.
- Advertisement -
મિશન મંગલમ અંતર્ગત સખી મંડળોની કામગીરી, એટીવીટી યોજના હેઠળના કામોની ચુકવણી અને જીયો ટેગિંગની પ્રગતિ તપાસવામાં આવી હતી. 2025-26ના એટીવીટી કામોના અંદાજપત્રોની સમીક્ષા કરવામાં આવી. પેન્શન કેસોની સ્થિતિ અને તલાટી-કમ-મંત્રીઓ દ્વારા થતી જન્મ-મરણની ઓનલાઇન નોંધણીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં નવા સખી મંડળોની સ્થાપના માટે સૂચનાઓ આપવામાં આવી હતી. એગ્રી સ્ટેક (ફાર્મા રજિસ્ટ્રી)ની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ તલાટી-કમ-મંત્રીઓ અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.



