ડેમની હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના
લાલપરી તળાવ થયું ઓવરફ્લો: વરસાદને કારણે રાજકોટ શહેરમાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલ રાતથી રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, નાના મવા રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. રાજકોટમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને રાજકોટ જિલ્લો હાલ રેડએલર્ટ ઝોનમાં આવી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે, ખાસ કરીને ડેમોમાં નવા નીરની આવક સાથે ઓવરફ્લોની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા હોય ડેમ વિસ્તારમાં નીચાણવાસમાં રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા તેમજ કોઝવે પરથી પરિવહન ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ન્યારી-2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર-2 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. ભાદર-2 ડેમનો 1 દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે તથા આજી-3 ડેમના 7 દરવાજા 0.416 ફૂટ ખોલવામાં આવ્યા છે અને સપાટી 18.9 ઈંચ, ન્યારીમાં 16.24 ઈંચ તથા રાજકોટ જિલ્લામાં ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થતાં ડેમો છલકાઈ ગયા છે. ડોંડી ડેમમાં સૌથી વધુ 6.56 ફૂટ આવક અને લાલપરી ડેમ વિસ્તારમાં સૌથી વધુ 155 મિ.મિ., ઘેલો સોમનાથ ડેમ વિસ્તારમાં સૌથી ઓછો 5 મિ.મિ. વરસાદ, ન્યારી-2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમની હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
ક્યા જળાશયોમાં કેટલી આવક?
વિવિધ જળાશયોમાં છેલ્લાં 24 કલાકમાં નવા નીરની આવક થઈ છે. જે મુજબ મોજ ડેમમાં 0.98 ફૂટ, ફોફળ ડેમમાં 0.20 ફૂટ, વેણુ-2 ડેમમાં 0.16 ફૂટ, આજી-1માં 1.21 ફૂટ, આજી-3માં 2.10 ફૂટ, ડોંડી ડેમમાં 6.56 ફૂટ, ગોંડલી ડેમમાં 4.43 ફૂટ, વાછપરી ડેમમાં 0.89 ફૂટ, વેરી ડેમમાં 4.17 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.66 ફૂટ, ન્યારી-2 ડેમમાં 2.13 ફૂટ, મોતીસર ડેમમાં 0.66 ફૂટ, ખોડાપીપર ડેમમાં 4.92 ફૂટ, લાલપરીમાં 0.66 ફૂટ, છાપરવાડી-1 ડેમમાં 2.30 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 0.66 ફૂટ, ઈશ્ર્વરીયા ડેમમાં 3.61 ફૂટ, કરમાળ ડેમમાં 2.95 ફૂટ, ભાદર-2 ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક થઈ છે.