નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું : વિસાવદરમાં 4 ઇંચ વરસાદ: સાબલપુર ચોકડીથી દોલતપરા સુધીનાં રોડ ઉપર એક ફૂટ પાણી ભરાયા
ગિર સોમનાથમાં વિરામ
- Advertisement -
ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાયું : અનેક વાહનો ફસાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદ પડ્યો હતો.બાદ આજે બપોરનાં 12 વાગ્યા સુધી વરસાદે વિરામ લીધો હતો, બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં દે… ધનાધન વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારનાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં ઠેરઠરે પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢ શહેરમાં બપોરનાં 12 વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો.જેના પગલે નદી નાળામાં પુર આવ્યાં હતાં. જૂનાગઢમાં ભારે વરસાદનાં પગલે સાબલપુર પોકડી થી દોલતપરા સુધીનાં માર્ગ ઉપર એક સાઇડનાં રોડમાં ફૂટ જેટલા પાણી ભરાયા હતાં. તેમજ નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા ઝાંઝરડા રોડ ઉપર પાણી ભરાયું હતું.
- Advertisement -
ઝાંઝરડા રોડ ઉપર જવાના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.તેમજ ગરનાળામાં એક કાર સફાઇ ગઇ હતી અને પાણીમાં તરવા લાગી હતી. આ ઉપરાંત ઓઝત અને ઉબેણ નદીમાં પુર આવતા 21 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા જનજીવન પર અસર પડી હતી. ઠેરઠેર ટ્રાફીકનાં દ્રષ્યો જોવા મળ્યાં હતાં. આજે જૂનાગઢ જિલ્લામા સર્વત્ર વરસાદ નોંધાયો હતો.જૂનાગઢ જિલ્લામાં બપોરનાં 12 વાગ્યા સુધીમા વિસાવદરમાં 4 ઇંચ,માણાવદરમાં 3 ઇંચ, જૂનાગઢમાં અઢી ઇંચ, ભેંસાણમાં પોણા ત્રણ ઇંચ, મેંદરડામાં બે ઇંચ અને કેશોદમાં એક ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદનાં પગલે જિલ્લામાં સિઝનનો 44 ટકા વરસાદ થઇ ગયો છે. તેમજ મોટાભાગનાં ડેમમાં નવા નીર આવ્યાં છે.
ઝાંઝરડા અને દોલતપરા રોડ બંધ થયા
જૂનાગઢ શહેરમાં આજે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદનાં પગલે સાબલપુર ચોકડીથી દોલતપરા સુધીનાં રોડ ઉપર ગોઠણ ડુબ પાણી ભરાયા હતાં. તેમજ ઝાંઝરડા રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહન વ્યવાહર ખોરવાયો હતો. સરદારબાગથી ઝાંઝરડા ગરનાળા સુધી રોડ પર પાણી ભરાયું હતું. વાહનોની લાંબી કતાર લાગી હતી.
ઉબેણ નદી પર આવેલ કેરાળા જળાશય ઓવરફલો
ગિરનારમાં ભારે વરસાદનાં પગલે નદીઓમાં પુર આવ્યાં છે.ત્યારે ઉબેણ નદી ઉપર આવેલા કેરાળા જળાશય 0.02 મીટરથી ઓવરફલો થયો છે.જેના પગલે કેરાળા, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી, વાણદિયા, બાલોટ, ધંધુસર, વંથલી ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત આણંદપુર ડેમ 0.65 મીટરથી ઓવરફ્લો થયો છે. જેના પગલે આણંદપુર, રાયપુર, સુખપુર, નાગલપુર ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. આણંદપુર ડેમમાંથી 8624 કયુસેક પાણી વહી રહ્યું છે. તેમજ બાંટવા ખારો ડેમ 70 ટકા ભરાઇ જતા 8 ગામને અલર્ટ કરાયા છે.
ગિર સોમનાથ જિલ્લામાં વરસાદનો વિરામ
ગિર સોમનાથ જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ જાણે વિરામ લીધો હતો. ગિર સોમનાથ જિલ્લામાં બપોરનાં 12 વાગ્યા સુધીમાં વરસાદ થયો ન હતો. તાલાલામાં બે મીમી અને વેરાવળમાં 3 મીમી વરસાદ થયો હતો.