જો કે નોટબંધીને હવે રદ કરી શકાય નહી પરંતુ સરકારનો નિર્ણય બંધારણ વિરુદ્ધ હતો કે કેમ તે ચકાસાશે
દેશમાં 2016માં લાદવામાં આવેલી નોટબંધીની બંધારણીય અને કાનૂની યોગ્યતા પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે અને આ મુદે કેન્દ્ર અને રિઝર્વ બેંકને સોગંદનામુ રજુ કરવા જણાવ્યું છે. 2016માં 9 નવેમ્બરે મોદી સરકારે ઓચિંતા જ રૂા.500 અને રૂા.1000ની ચલણી નોટો બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો
- Advertisement -
જેના પરિણામે દેશભરમાં જબરી અફડાતફડી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ પગલાથી વર્તમાન સમયમાં કાળા નાણાથી લઈ બનાવટી ચલણી નોટો સહિતના મુદે કેટલી સફળતા મળી તે અંગે હજુ પ્રશ્ન છે જયારે સર્વોચ્ચ અદાલતે આ અંગે સુનાવણી કરવા નિર્ણય લેતા કહ્યું કે 2016નું જે પગલુ હતું તેમાં કોઈ પિછેહઠ થઈ શકે તેમ નથી અને હવે તે સંદર્ભમાં કોઈ આદેશ પણ આપી શકાય નહી.
પરંતુ નોટબંધી કેટલી બંધારણીય અને કાનૂની છે તે અંગે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ કે.એમ.નઝીરના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું કે જયારે બંધારણીય પ્રશ્ર્ન ઉઠાવવામાં આવે તો અમારે જવાબ આપવો પડે તે નિશ્ચીત છે. સરકાર વતી એટર્ની જનરલ આર.વેંકટ રમણીએ કહ્યું કે જયાં સુધી નોટબંધી એકટનો પ્રશ્ર્ન છે તો તેને પડકાર કરી શકાય નહી અને તે આકસ્મીક હોય તે નિશ્ચીત છે.