ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં સરા ચોકડીએ બુધવારે અચાનક નગરપાલિકાની ટીમ ત્રાટકી હતી અને અટલ બિહારી બાજપાઈ સિનિયર સિટીઝન પાર્ક પાસે ફુટપાથ પર રહેલી કેબિનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ કામગીરી માત્ર ગણતરીની મિનિટોની જ હતી અને એમાં પણ એકમાત્ર લારી હટાવીને નગરપાલિકાએ સંતોષ માની લીધો જોકે નગરપાલિકાના કર્મચારીઓની ફોજ સાથે જેસીબી અને ત્રણ ટ્રેક્ટર તેમજ પોલીસ પ્રોટેક્શન સાથે ત્રાટકેલી ટીમે ખરેખર ડિમોલેશન કર્યું કે ડિમોલેશનના નામે સ્ટંટ હતો ? તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે. હળવદ શહેરમાં સરા ચોકડી પર વિવિધ જગ્યાએ બિનઅધિકૃત રીતે કબજો જમાવીને બેઠેલા કબજેદારો સામે પાલિકાએ બુધવારે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી જેમાં સરા ચોકડી પાસે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર રહેલા સ્ટોલ પર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ જ્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે જગ્યાએ માત્ર ફટાકડાના સ્ટોલ માટે જગ્યા રોકવામાં આવી હતી અને એકમાત્ર લારી હટાવીને પાલિકા તંત્રએ પોતાની પીઠ થપથપાવી હતી જોકે હળવદ શહેરમાં ઠેર ઠેર ડિમોલેશન કરવું પડે તેવું છે પરંતુ આગામી દિવસોમાં આ જ ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ રહેશે કે માત્ર ત્યાર પુરતો જ સ્ટંટ કરવામાં આવ્યો છે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
હળવદ પાલિકાનું ડિમોલેશન કે સ્ટંટ? એક માત્ર લારી હટાવી પીઠ થપથપાવી
