અંદાજિત રૂા. 72 કરોડના જમીન પર દબાણ ખાલી કરાવતી ટાઉન પ્લાનિંગ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર આજરોજ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને અંદાજિત 12,009,00 ચો.મી. જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.
ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નં. 4માં મોરબી રોડ, એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલી રીઝર્વેશન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી રોડ પર મધુવન સોસાયટી મેઈન રોડના કોર્નર પાસે 2 રેતીના સટ્ટા, 1 ચાની કેબીન જેની કિંમત 9,88,80,000 અને એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં આવેલી 2 રેતીના સટ્ટા, 2 ચાની કેબીન જેની કિંમત રૂા. 31,02,60,000 છે અને એચ.પી. પેટ્રોલ પંપની પાછળ આવેલ કાચા પાકા ઝુંપડા 5 પ્લીન્થનું બાંધકામ, 2 પતરાના રૂમ જેની કિંમત 31,14,00,000 છે આમ કુલ 12,009,00 ચો.મી. જગ્યા ખાલી કરાઈ જેની કુલ કિંમત 72,05,40,000 છે. આમ આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા (ઈસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.