સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર પતરા વાળી ઓરડીનું ડિમોલીશન: 6,896 ચો.મી. જમીન મુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનર એચ.એમ. સોરઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખાએ તા. 13 નવેમ્બર 2025ના રોજ મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 03માં આવેલા અનામત પ્લોટ નં. 7/એ (ગાર્ડન હેતુ) પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી પતરા વાળી ઓરડીનું દબાણ દૂર કરવામાં આવ્યું.
- Advertisement -
આ કાર્યવાહી અંતર્ગત 4 પતરા વાળી ઓરડી તોડવામાં આવી હતી, જેના કારણે કુલ 6,896 ચો.મી. જેટલી જમીન મુક્ત કરાવી લેવામાં આવી. મુક્ત કરાવાયેલ જમીનની અંદાજિત બજાર કિંમત ₹27.58 કરોડ જેટલી હોવાનું મહાપાલિકા દ્વારા જણાવાયું છે.
ડિમોલીશન દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખા (સેન્ટ્રલ ઝોન)નો સમગ્ર સ્ટાફ, સાથે રોશની શાખા, દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા, ફાયર ઑફિસ અને કાયદો-વ્યવસ્થા જાળવવા વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શહેરના અનામત પ્લોટો પર ગેરકાયદેસર બાંધકામ ન થાય તે માટે આવી કામગીરી આગળ પણ નિયમિત રીતે ચાલુ રહેશે.



