મહિલાએ કહ્યું- 8 હજાર ભડુ ભરૂ છું, પૈસા મોદી સાહેબ આપશે? અધિકારીએ કહ્યું કે, તંત્ર દ્વારા ત્રણેક વખત નોટિસો આપ્યા બાદ આજરોજ કામગીરી કરાઈ
રાજકોટનાં સૌથી જૂના અરવિંદ મણિયાર આવાસ ખાતે આજરોજ મનપા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી રહેલા 39 મકાન ખાલી કરાવવા માટે વિજિલન્સ પોલીસ સહિત મનપાનો 500 કરતા વધુનો સ્ટાફ હાજર રહ્યો હતો. જે કોઈ મકાન ખાલી કરતા નહોતા તેમના તાળા તોડીને સામાન ફેરવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક મહિલાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, કોઈપણ લેખિતમાં આપ્યું નથી. માત્ર 5 હજાર ભાડું આપવામાં આવે છે અને 8 હજાર ભાડું ભરવું પડે છે, તો બાકીના રૂ.3000 મોદી સાહેબ આપશે?
- Advertisement -
આ અંગે ચંદ્રિકાબેન પંકજભાઈ શાહ નામના મહિલાએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 60 વર્ષ છે. હું અને 90 વર્ષના માતા અહીં રહીએ છીએ. તંત્રએ ફરજિયાત મકાન ખાલી કરાવતા હું અત્યારે ભાડાના મકાનમાં ગઈ છું, પરંતુ તંત્ર દ્વારા માત્ર રૂ.5 હજાર ભાડું અપાય છે. જેની સામે મારે રૂ. 8 હજાર ભાડું ભરવું પડી રહ્યું છે, ત્યારે બાકીની રકમ મોદી સાહેબ આપશે? મારી 60 વર્ષની ઉંમર હોવાથી મને કોઈ કામ પણ મળતું નથી, તો હું શું કામ કરૂં? કોઈ પ્રકારનું લખાણ પણ આપવામાં આવ્યું નથી. આ કારણે અત્યાર સુધી અમે મકાન ખાલી કર્યું નહોતું.
મકાન ખાલી નહીં કરવાનું કારણ એ જ હતું કે, મનપા દ્વારા 13 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે. આ બિલ્ડિંગમાં પાણી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સરખી ન થાય એ માટે પોતે આવાસ ખાલી કર્યું નહોતું. અમારી દસ્તાવેજવાળી જગ્યા તંત્ર કેમ લઇ શકે છે? ચાર માળના બદલે આંઠ માળનાં મકાન કરે તો પણ બિલ્ડરને ફાયદો થાય તેમ છે. છતાં 13 માળના મકાન શા માટે? અમને શું ફાયદો છે? આટલું બોલતા તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. વધુમાં કહ્યું હતું કે, અમારે લાઈફટાઈમ મેન્ટેનન્સ જોઈએ છે, કારણ અમારી પાસે મેન્ટેનન્સ ભરવાના રૂપિયા નથી.
અન્ય રીટાબેન છાટબાર નામના એક મહિલાએ જણાવ્યું હતું કે, અમે ક્વાર્ટર ખાલી કરવા તૈયાર હતા અને ગઈકાલે જ થોડો સામાન સંબંધીના ઘરે ખસેડયો હતો. આમ છતાં તંત્રએ મારા ક્વાર્ટરનું તાળું તોડી નાખ્યું છે અને બળજબરી જ કરવામાં આવી છે. પૂરતો સમય પણ આપ્યો નથી અને નોટિસનાં ત્રણ દિવસમાં ખાલી કરાવવામાં આવ્યું છે. અમારી માલિકીની જગ્યા અને દસ્તાવેજ હોવા છતાં તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યું છે. અમારી માંગ છે કે, અમારે 3ઇઇંઊં જોઈએ છે. જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી માત્ર રૂ. 5000 ભાડું આપે છે. આટલા ઓછામાં બીજે ક્યાં મકાન મળે? રાજકારણી, પોલીસ તેમજ બિલ્ડર બધા એક થઈ ગયા છે. અવારનવાર ધમકીઓ આપતા હતા, તેમજ ગેસ અને પાણીની લાઇન બંધ કરી દેવામાં આવી હતી. દસ્તાવેજવાળા મકાનોમાં આવું કેમ કરી શકાય?
- Advertisement -
બીજી તરફ આ કામગીરી કરનાર અધિકારી પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ત્રણેક વખત નોટિસો આપ્યા બાદ આજરોજ આ કામગીરી કરાઈ હતી. જેમાં 208 પૈકી માત્ર 39 ક્વાર્ટર્સ ધારકો મકાન ખાલી નહીં કરતા હોવાથી કાયદેસરની જોગવાઈ મુજબ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. નિયત કરેલી રીતે ક્વાર્ટર્સ સુમેળભર્યા વાતાવરણમાં ખાલી કરાવવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારનો અસંતોષ નથી. જો કે, કોર્પોરેશન માત્ર મકાન ખાલી કરાવવાની કામગીરી કરી રહી હોવાની અને ડિમોલિશન એજન્સી દ્વારા કરવામાં આવતું હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.