600 ચો.મી. જગ્યામાં ખડકાઇ ગયેલા 5 થી 6 મકાનો ઉપર બુલડોઝર ફરી વળશે
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના તમામ તાલુકાના મામલતદારો સરકારી જમીનો ઉપર ખડકાઇ ગયેલા દબાણો હટાવવા માટે આદેશ આપેલ હતો. આ આદેશના પગલે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેર અને જિલ્લામાં મામલતદાર તંત્ર એક્ટીવ થઇ ગયું છે અને સરકારી જમીનો ઉપર ખડકાય ગયેલા દબાણો ધડા ધડ હટાવવામાં આવી રહ્યા છે.
ત્યારે ચાલુ સપ્તાહમાં પણ જુદા જુદા સ્થળોએ ત્રણ જેટલા ડીમોલીશન રાજકોટ તાલુકા મામલતદાર તંત્ર દ્વારા હાથ ધરાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે પ્રથમ ડીમોલીશન વાવડી વિસ્તારમાં થનાર હોવાનું તાલુકા મામલતદાર તંત્રના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વાવડીના સર્વે નં. 149માં આવેલી અંદાજીત 600 ચો.મી. જેટલી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી ખડકાય ગયેલા પાંચ થી છ જેટલા પાકા મકાનો ઉપર આવતીકાલે તંત્રનું બુલડોઝર ફરી વળનાર હોવાનું જાણવા મળે છે.