ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણ હટાવવા માટે વહીવટીતંત્રએ મેગા ડીમોલીશન અભિયાન ચલાવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે વહેલી સવારે હાથ ધરાયેલી આ કામગીરીમાં ₹5.11 કરોડથી વધુની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી. ખાપટ વિસ્તારમાં વર્ષોથી કેટલીક કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતો સહિતની ઈમારતો સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવી હતી. તંત્રએ 34 દબાણકારોને નોટિસ પાઠવીને જમીન ખાલી કરવાની તાકીદ કરી હતી. છતાં, કોઈ પગલું ભરાયું નહીં, જેના કારણે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવી પડી. આ અભિયાનમાં પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ, મામલતદાર, શહેર સર્કલ ઓફિસર, ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ, ખાપટના સીટી તલાટી અને સ્થાનિક પોલીસનો સમાવેશ થયો હતો. વહીવટીતંત્રના અધિકારીઓ સાથે જે.સી.બી. મશીનો અને મજૂરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી.
- Advertisement -
દબાણકારો માટે તંત્રનો કડક સંદેશ
આ મેગા ડીમોલીશન દ્વારા તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી જમીન પર બિનકાયદેસર બાંધકામ કરનારા માટે કોઈ રાહત નહીં રહે. અધિકારીઓએ જણાવ્યું કે, પોરબંદરમાં અન્ય વિસ્તારોમાં પણ આવાં દબાણો સામે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થશે.
વહીવટીતંત્ર સક્રિય, વધુ કાર્યવાહી થવાની શક્યતા
ખાપટ વિસ્તાર બાદ હવે અન્ય વિસ્તારોમાં પણ તંત્રની નજર છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જે લોકો સરકારની જમીન પર બિનકાયદેસર કબજો કરી રહ્યા છે, તેઓએ નોટિસ મળ્યા બાદ તાત્કાલિક દબાણ દૂર કરી દેવું જોઈએ, નહિતર તંત્ર વધુ કડક કાર્યવાહી કરશે. શહેરના દબાણમુક્તિ અભિયાનનો આ માત્ર એક હિસ્સો છે, આગામી દિવસોમાં વધુ બેદરકાર દબાણકારો સામે હલ્લાબોલ થશે!
ડીમોલિશનમાં કેટલા બાંધકામ દૂર કરાયા?
કોમર્શિયલ બાંધકામ: ₹1,78,90,800 કિંમતની 1130 ચોરસ ફૂટ જમીન પર 12 બાંધકામ.
રહેણાંક બાંધકામ: ₹1,42,39,200 કિંમતની 1620 ચોરસ ફૂટ જમીન પર 9 બાંધકામ.
અન્ય પેશકદમી: ₹1,81,56,000 કિંમતની 2230 ચોરસ ફૂટ પર 13 બાંધકામ.
3 મકાન ધારકોને 1 માસનો સમય
ડીમોલેશન દરમિયાન 3 રહેવાસીઓને પેશકદમી દૂર કરવા 1 માસનો સમય આપવામાં આવ્યો, કારણ કે તેમના પાસે રહેવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હતો.જેથી અધિકારીઓ દ્વારા માનવતા દાખવી તેમને 1 માસ સુધીમાં પેશકદમી દૂર કરી દેવા સમય આપવામાં આવ્યો હતો.