સરપંચે અગાઉ પણ મામલતદારને રજુઆત કરી પરંતુ મામલતદાર સરપંચને ગાંઠતા ન હોય તેવો ઘાટ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરની અડીને આવેલા રવાપર ગામ નજીકની સરકારી ખરાબાની જગ્યા તથા આજુબાજુના તમામ સરકારી ખરાબામાં કાચા તથા પાકા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે તથા કાંટાળી વાળની તાળ કરીને પતરા નાખી શેક બનાવેલ છે જેથી આ તમામ ગેરકાયદે દબાણો દૂર કરવા રવાપર ગામના સરપંચે મામલતદારને રજૂઆત કરી છે.
- Advertisement -
રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે કે, રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરકારી જમીન પર અમુક શખ્સો ગેરકાયદે પેશકદમી કરી પોતાનો વ્યવસાય કરે છે તેમજ આજુબાજુના ખેડુત ખાતેદારોને કિંમતી જમીનોની બાજુમાં આવા બાંધકામો કરી જમીનમાં જવાના કાયદેસરના રસ્તામાં દબાણ કરે છે. આ અંગે અગાઉ મામલતદારને રજુઆત કરવા છતાં આજ સુધી આ દબાણ દુર થયેલ નથી. આ ઉપરાંત દબાણકારો મારકુટ, ખેતીની જમીનમાં રંજાડ તથા આજુબાજુમાં ખેડુતોને ધાક ધમકી જેવી પ્રવૃત્તિ કરતા હોય તેમજ સરકારી પરીપત્ર કે મામલદારના હુકમને પણ ગાંઠતા ન હોય જે હકીકત છે. ગત તા. 12 ના રોજ આવા દબાણકરો દ્વારા મારકુટનો બનાવ બનેલ છે જેની પોલીસ ફરિયાદ પણ દાખલ થયેલ છે. આથી દબાણકારો સામે કાર્યવાહી કરી દબાણો તાત્કાલીક દુર કરવા રજૂઆત કરવામાં આવી છે.