ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ મોટા પ્રમાણમાં વધી છે. ત્યારે ટંકારા તાલુકાના ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે ટંકારાના પીએસઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઓટાળા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે, ઓટાળા ગામે વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠી કાર્યરત છે. દરરોજ 10 થી 12 જેટલી ભઠ્ઠીઓ દેવીપૂજક વાસમાં તથા સીમમાં અલગ અલગ સ્થળોએ 24 કલાક ચાલી રહી છે.
આ દારૂમાં જીવલેણ કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે આવા દારૂના સેવનથી અનેક યુવાનોએ જીવ પણ ગુમાવ્યા છે. અગાઉ ચારેક વર્ષ પૂર્વે ગ્રામજનોએ જનતા રેડ પણ કરી હતી ત્યારે થોડો સમય દારૂના વેચાણ ઉપર અંકુશ રહ્યો હતો પરંતુ હવે ફરી આ ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે ત્યારે આની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ગુનેગારોને હદપારી તથા પાસા તળે જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.