જવાબદાર લોકો સામે માનવવધનો ગુનો નોંધો : કોંગ્રેસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોઈપણ વિભાગમાં ઉભા રહો, તમને ભ્રષ્ટાચાર સિવાય કશું મળશે જ નહીં. પહેલા ડોકટર્સની બેદરકારીથી દર્દીઓના ભોગ લેવાતા હતા પરંતુ હવે આ ભ્રષ્ટાચારી હોસ્પિટલની ભ્રષ્ટ કલગીમાં આજે એક નવું કલંક ઉમેરાયું છે.
જવાહર રોડ બાજુ સિવિલ હોસ્પિટલમાં બનતા ગેટ પાસે સિવિલ તંત્ર અને પી.આઈ.યુ. વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલા ગેટના પીલરના મોટા ખાડામાં પડી જવાથી એક યુવા વ્યક્તિનું મૃત્યુ થયું છે જેની પાછળ સિવિલ તંત્ર અને પી.આઈ.યુ. વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.
36 વર્ષના યુવા વ્યક્તિ જગદીશભાઈ ચાવડા વહેલી સવારે મોટા ખાડામાં પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું અને તેનું સ્પષ્ટ અને સાચુ કારણ એક જ હતું કે આ ખાડાની ફરતે કોઈપણ પ્રકારની બેરિકેડસ લગાવવામાં આવ્યા નહોતા અને ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતા ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિ દ્વારા મૃતકની હત્યા પાછળ જવાબદાર સિવિલ તંત્ર અને પી.આઈ.યુ. વિભાગના જે કોઈ જવાબદાર લોકો હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક સહાય મળે તે મુજબ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનમાં રાજકોટ હાથ સે હાથ જોડો કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ કુંડલીયા, દીપક મકવાણા, ગોસ્વામી હસમુખભાઈ, હરેશભાઈ પરમાર, સુરેશભાઈ ચાવડા, જગદીશભાઈ મોરી, અશોકભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ રાઠોડ, વશરામભાઈ સાગઠીયા જોડાયેલા હતા.