લીઝ ધરાવતા વૉશ પ્લાન્ટમાં ગૌચર જમીનમાંથી રેતી કાઢવાનો કારસો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
ધ્રાંગધ્રા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં રેતીના વોશ પ્લાન્ટ ધમધમે છે જેમાં રાવળીયાવદર ગામે પણ દોઢેક વર્ષ પૂર્વે આ પ્રકારે ગેરકાયદેસર રેતીનો વોશ પ્લાન્ટ ચાલતો હતો પરંતુ સ્થાનિક સરપંચ દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખનિજ માફીયાઓ દ્વારા વોશ પ્લાન્ટ માટે મંજૂરી લીધી હતી જોકે મજૂરી લીધા બાદ પણ હજુય ખનિજ માફીયાઓ પોતાની કરતૂતોથી બહાર આવ્યા નથી. વોશ પ્લાન્ટની મંજૂરી લીધા બાદ પણ હવે આ માફીયાઓ લીઝની જગ્યાએથી વિપરીત ગૌચર જમીન પર રેતીનું ખનન કરીને રેતી કાઢી રહ્યા છે આ તરફ રાત્રીના સમયે ગૌચર જમીનમાંથી રેતી કાઢીને પોતાની મંજૂરી વાળી જગ્યા પર એકત્ર કરી બાદમાં દિવસ દરમિયાન વોશ પ્લાન્ટ ચલાવી છે જેથી તંત્રને સબ સલામત હોવાનું આભાસ કરાય છે પરંતુ રાત્રીના સમયે ગેરકાયદેસર રેતી ચોરી કરી ખનિજ માફીયાઓ હજુય પોતાની કાળી કરતૂતો યથાવત રાખી છે. જે અંગે અનેક વખત ગામના સરપંચ દ્વારા છેક મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા ખાણ ખનિજની ટીમ દ્વારા તપાસ માટે આવી ખનિજ માફીયાઓ સાથે ઘરોબો કેળવી પંચનામુ કરી પરત ફરી જાય છે પરંતુ જે ગૌચર જમીનમાં ખોદકામ કરો રેતી ચોરી કરી છે તે અંગે કોઈપણ પ્રકારની તપાસ કરે કાર્યવાહી કરી નથી. ત્યારે ખનિજ વિભાગ દ્વારા ગૌચર જમીનમાં ખોદકામ કરી લાખો રૂપિયાનું જે ખનિજ ચોરાયું છે તે અંગે દંડ માપણી કરી દંડની કાર્યવાહી કરે તેવી પણ માંગ સ્થાનિક સરપંચ દ્વારા ઉઠાવી છે.