દિલ્હી કેપિટલ્સમાં પાંચ લોકોને કોરોના પોઝિટિવ
મેચ પૂણેનાં બદલે હવે મુંબઇમાં જ રમાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોના કેસ મળી આવ્યા છે. ત્યારબાદ BCCIએ મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેને બદલે મુંબઈમાં રમાશે.
આજે મુંબઈમાં રમાનાર મેચમાં કોવિડગ્રસ્ત દિલ્હીની ટીમનાં બેટ્સમેનોની પંજાબનાં બોલર્સ સામે પરીક્ષા થશે. દિલ્હીની ટીમ પાંચ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે જ્યારે પંજાબની ટીમ 6 મેચમાંથી 3માં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.
- Advertisement -
IPL દ્વારા રજૂ કરાયેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના વાયરસ થયો છે, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. દિલ્હીની ટીમનાં પેટ્રિક ફરહત (ફિઝિયો), ચેતન કુમાર (મસાજ થેરાપિસ્ટ), મિશેલ માર્શ (ખેલાડી), અભિજિત સાલ્વી (ડોક્ટર), આકાશ માણે (સોશિયલ મીડિયા ટીમ)ને કોરોના થયો છે.
કોવિડ કેસ મળ્યા બાદ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓ ક્વોરેન્ટાઇનમાં ગયા. ટીમને મુંબઈમાં તાલીમ લેવા માટે કહેવામાં આવ્યું છે. BCCI એ પણ નથી ઈચ્છતું કે ખેલાડીઓ પુણે જાય જેથી વધુ બાયો-બબલ ભંગ ન થાય. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોની મંગળવારે સવારે નવી કોવિડ -19 ટેસ્ટ કરવામાં આવી હતી, જેના પરિણામો આવવાના બાકી છે.