ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા ઘણા મહિનાઓથી અવકાશમાં ફસાયેલી છે. NASA એ તેમની વાપસીને લઈને એક નવું અપડેટ આપ્યું છે, જે મુજબ તેમણે તેમની વાપસી માટે વધુ રાહ જોવી પડી શકે છે.
વરિષ્ઠ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂનમાં બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ISS પર પહોંચ્યા હતા. આ મિશન માત્ર આઠ દિવસનું જ હતું, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ અને તેમની વાપસી ટળી ગઈ. હવે નાસા (NASA) એ એક બ્લોગ પોસ્ટમાં વાપસી માટે અને વધુ રાહ જોવા વિશે માહિતી આપી છે. આની સાથે જ આઠ દિવસનું આ મિશન 9 મહિનાથી વધુ લાંબુ થઈ જશે.
શા માટે વિલંબ થશે?
- Advertisement -
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસી માટે એક બીજું વિમાન અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ક્રૂ-9 ના બે અવકાશયાત્રીઓ સપ્ટેમ્બરમાં ડ્રેગન અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર માટે બે સીટો ખાલી હતી. પ્લાન એ હતો કે ચારેય ફેબ્રુઆરી 2025માં ઘરે પરત ફરશે. જો કે, નાસા (NASA) એ મંગળવારે જણાવ્યું કે ક્રૂ -10, જે ક્રૂ -9 અને તે બે અવકાશયાત્રીઓને લઈને આવશે, તે હવે માર્ચ 2025 પહેલા લોન્ચ નહીં થઈ શકે.
ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી સુનિતા વિલિયમ્સ
આ પહેલા અવકાશમાંથી સુનિતા વિલિયમ્સની કેટલીક તસવીરો સામે આવ્યા બાદ તેના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતાઓ હતી. જોકે, તેમણે આવા અહેવાલોને ફગાવી દીધા હતા. સોમવારે, સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેમના સાથીદારો સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી હતી. નાસા (NASA) એ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.