ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગને સ્થિરતા આપવા માટે ઉદ્યોગકારોની રજુઆતને પગલે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં અચાનક 5 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે જોકે હાલની સ્થિતિમાં કોઈ જ શકયતા ન હોવા છતાં જાહેર થયેલ આ ભાવ ધટાડો ચૂંટણીના ખેલ સમાન સાબિત થવાનો છે. ભલે સીરામીક ઉદ્યોગકારો સરકારનો આભાર માને પરંતુ પ્રોપેન ગેસની સરખામણીએ નવા ભાવથી પણ નેચરલ ગેસ વાપરવો સિરામિક ઉદ્યોગકારો માટે સસ્તો નથી.
તાજેતરમાં જ મોરબી સીરામીક એસોસિયેશનના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા અને સીરામીક ઉદ્યોગના હિતલક્ષી પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી તો ઉદ્યોગકારો દ્વારા ગેસના ભાવ બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી જે બાદ ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે જેથી ગેસના ભાવ 63.15 થી ઘટીને 58.15 થઈ ગયા છે જેના લીધે મોરબીના સીરામીક ઉદ્યોગને સીધો જ દૈનિક સવા કરોડનો ફાયદો થાય એવું દ્રશ્ય નજર સામે આવી રહ્યું છે જોકે ગેસના ભાવ ઘટાડા બાદ પણ પ્રોપેન ગેસની સરખામણીએ નેચરલ ગેસ 14 રૂપિયા જેટલો મોંઘો પડવાનો છે એટલે કે પહેલી નજરે દેખાઈ રહેલ દૈનિક સવા કરોડનો ફાયદો પણ ચૂંટણીના ખેલ સમાન સાબિત થવાનો છે.
અત્યાર સુધી ગુજરાત ગેસની દાદાગીરીથી ત્રસ્ત સીરામીક ઉદ્યોગકારોનું સાંભળવા કંપની પણ તૈયાર ન હતી અને હવે અચાનક રાજકીય હેતુથી આ ભાવધટાડો કરવામાં આવ્યો હોય તેવું પણ બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે.