ખાસ-ખબર સંવાદદાતા
ભાવસર સેવા સહકારી મંડળી અને માળીયા(મી.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રજુઆત કરીને જણાવ્યું છે કે, હાલમાં છેલ્લા દોઢેક માસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં પણ વધુ પ્રમાણમાં વરસાદ થવાથી ખેડૂતોનું વાવેતર સંપુર્ણ નાશ પામવાને આરે છે. ખેડૂતોએ પોતાના હાથ પરની બચત મોંઘા ખાતર બિયારણ પાછળ સારી આશાએ ખર્ચ કરેલ હોય પરંતુ તેની સામે વળતર મળવાની આશા નહીંવત હોવાથી ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. આ સંજોગોમાં ખેડૂતોની મદદે આગળ આવી સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે થયેલ નુકશાનની સર્વે કામગીરી હાથ ધરી ખેડૂતને આ આવી પડેલ કુદરતી મુશ્કેલીના સમયમાં તેમના નુકશાનનું વળતર સમયસર મળી રહે અને ખેડૂતો પોતાની આજીવિકા ટકાવી શકે તે માટે ખેડુતોની મદદે આવવા માળીયા મિંયાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ભાવસર સેવા સહકારી મંડળીએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરી હતી.