મેળા અંગે ડી-બ્રીફ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળા અંગે ડી- બ્રીફ મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળાને ભવિષ્યમાં વધુ બહેતર બનાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. સાથે જ અધિકારીઓએ ફરજ દરમિયાનના અનુભવોની આપ- લે કરી હતી.
- Advertisement -
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે મહાશિવરાત્રીના મેળાને સુચારું અને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓની ખંતપૂર્વક મહેનતને બિરદારી અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓના પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
જિલ્લા કલેક્ટરે જુદા જુદા વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ જિલ્લા કલેકટરે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં મૃગીકુંડ ખાતે સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે રિસ્ટ્રક્ચર સહિતના આયોજન કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત રવેડીમાં બિનજરૂરી લોકો પ્રવેશે નહીં અને રવેડીના દર્શન સામાન્ય લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટેની વ્યવસ્થા સંદર્ભે પણ જરૂરી દિશા નિર્દેશ કર્યો હતો. જયારે મહાશિવરાત્રીના મેળામાં સુચારુ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે ધુણો લગાવનાર સાધુ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ થઈ રહે તે માટે પણ વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય સેવાઓને પણ વધુ મજબૂત બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં ખાસ કરીને લોકોનું આવા-ગમન સરળતાપૂર્વક થઈ શકે અને ટ્રાફિકનો પ્રશ્ર્ન ન ઉદ્ભવે તે માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાવિકોને ભવનાથ સુધી પહોંચવા માટે વધુ મીડી બસ મૂકવામાં આવે તે માટે પણ કલેકટરે સૂચના આપી હતી. આમ, ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો માટે વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.