કળશ સ્થાપન, સંતોના આર્શીવચન, શોભાયાત્રા, સંતવાણી સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
સંત શિરોમણી મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાનો 84મો પૂણ્યતિથિ મહોત્સવ શ્રી લાલાબાપા મંદિર ધામ ગોંડલ નિજ ધામ ખાતે રવિવાર તા. 20ના રોજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોવાનું શ્રી લાલ મંદિર મહંત પરસોત્તમદાસજીની યાદીમાં જણાવેલ છે. શ્રી લાલ મંદિર દેવપરા ખાતે સવારે 7-30 કલાકે સનાતન ધજા આરોહણ, કળશ સ્થાપન, વડવાળી જગ્યાના સંતો-મહંતો દ્વારા થશે. સવારે 8-00 કલાકે શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ફરી શ્રી લાલાબાપાની સમાધિ ઘોઘાવદર ચોકમાં જશે અને બપોરે 11-00 કલાકે તથા સાંજે 7-00 કલાકે સમૂહપ્રસાદનું આયોજન ખત્રીવાડી (વેરી દરવાજાની અંદર) ખાતે રાખેલ છે તેમજ પૂજ્ય બાપાની 84મી પૂણ્યતિથિના આજીવન ભોજન સમારંભ દાતા વિરજીભાઈ મેઘજીભાઈ ચાવડા પરિવાર (યુ.એસ.એ.)ના પરિવારજનો હાજર રહેશે.
- Advertisement -
આ ઉપરાંત બપોરે 2-30 કલાકે ધર્મસભા, રામધુન સત્સંગ શ્રી રામજી મંદિર, જેતપુર કિશોરબાપુ દ્વારા ધર્મસભા, રામધૂન યોજાશે તેમજ રાત્રે 9-30 કલાક ભક્તિ સંધ્યા કાર્યક્રમ શ્રી પનઘટ ભક્તિ સંગીત મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ભજનનું રસપાન કરાવશે. આ ભજન સંધ્યામાં વિશેષ ઉપસ્થિતિ દાસીજીવણના આરાધક ડો. નિરંજનભાઈ રાજ્યગુરુ, આનંદ આશ્રમ (ઘોઘાવદર) પધારશે. સમગ્ર મહોત્સવનું સંચાલન શ્રી લાલાબાપા મંદિર ધામ- ગોંડલ મહંત પરસોત્તમબાપાના વડપણ હેઠળ તથા શ્રી ગોંડલ મોચી સમાજ, શ્રી લાલ સેવક મંડળ ગોંડલ, શ્રી લાલ સ્મારક ટ્રસ્ટ- ગોંડલ તથા શ્રી રામજી મંદિર સેવા સમિતિ તથા સમસ્ત પૂ. બાપાના ભાવિક ભક્તજનોના સહકાર દ્વારા મહોત્સવ ઉજવાશે. ભાવિકોને ઉપસ્થિત રહેવા શ્રી લાલ મંદિરના વ્યવસ્થાપક ભરતભાઈ પી. ચુડાસમા તથા પત્રકાર સુરેશભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે.