ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.15
સરકાર એક તરફ ‘રોડ સેફ્ટી’ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે બીજી તરફ દ્વારકા-ઓખા હાઈવે પર આવેલ આરંભડા ત્રણ રસ્તા (ઝ-ઉીંક્ષભશિંજ્ઞક્ષ) તંત્રની ઘોર નિષ્ક્રિયતાનું ઉદાહરણ બની રહ્યું છે. અહીં ટ્રાફિક નિયમન કે સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ સ્થળ હવે ‘એક્સિડન્ટ ઝોન’માં ફેરવાઈ ગયું છે. વાહનોની અનિયંત્રિત ગતિ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મહત્વના જંકશન પર સ્પીડ બ્રેકર, બ્લિંકર્સ કે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા નથી. તો બીજી તરફ ઓખા નગરપાલિકા પણ આ બાબતે મૌન સેવી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તી રહ્યું છે. જો અહીં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સળગતો સવાલ જનતા પૂછી રહી છે.
જાગૃત નાગરિકો અને રાહદારીઓની માંગ છે કે આરંભડા ત્રણ રસ્તા પર તાત્કાલિક ધોરણે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવે. આ ઉપરાંત, સ્પીડ લિમિટના બોર્ડ અને ટ્રાફિક પોલીસ પોઈન્ટની વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાય.



