પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર દરરોજ લોહિયાળ બનતું જઇ રહ્યું છે, ખાખીના ભય વગર લોકો કાયદો હાથમાં લેતાં અચકાતા નથી ત્યારે ગઈ મોડી રાતે રૈયાગામમાં ગાળો બોલવા મામલે યુવાનને છરીના બે ઘા ઝીંકી આંતરડા કાઢી નાંખ્યા હતાં. યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. યુની.પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.
- Advertisement -
બનાવ અંગે વૈશાલીનગરમાં રહેતાં જ્યોતીબેન પરેશભાઈ શર્મા ઉ.24એ રૈયાના યુવરાજ સંજય સોઢા સામે યુની. પોલીસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પતિ અને પુત્ર સાથે રહે છે. તેમના પતિ અગાઉ શેરબજારની ઓફિસમાં કામ કરતાં હતાં. ગઈકાલે તેમના પતિ પરેશનો જન્મદિવસ હોય જેથી રૈયાગામમાં મફતિયાપરામાં રહેતાં મિત્ર લક્ષ્મણે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેથી તેમનો પતિ પરેશ અને તેનો મિત્ર વિશાલ બંને લક્ષ્મણના ઘરે મોડી રાતે જન્મ દિવસ ઉજવવા માટે ગયાં હતાં.
મોડી રાતે ત્રણેક વાગ્યાની આસપાસ પાર્ટી પુરી કરી તેમનો પતિ પરેશ મિત્ર વિશાલ સાથે ઘરે પરત આવવા લક્ષ્મણના ઘરેથી નીકળતો હતો ત્યારે ગાળ બોલતાં ત્યાં પડોશમાં રહેતો આરોપી યુવરાજ સોઢાએ અહીં કેમ ગાળ બોલો છો કહીં ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાટમાં આવી તેની પાસે રહેલ છરીનો એક ઘા પીઠમાં અને એક ઘા પડખાના ભાગે ઝીંકી દેતાં આંતરડા બહાર નીકળી ગયાં હતાં તેમનો પતિ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. બાદમાં ત્યાં હાજર તેમના મિત્રોએ 108 મારફત તેમને સારવારમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધું સારવાર અર્થે અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબીબ જણાવી રહ્યાં છે.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ. એન.પટેલ અને ટીમે તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી.