રાઈડ્સ સંચાલકો : જો રાહત નહિ અપાય તો અમે મેળામાં ભાગ નહિ જ લઇએ
સોમવારે કલેક્ટર સાથેની બેઠક નિર્ણાયક રહેશે, સંચાલકો ગાંધીનગર સીએમને મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનો લોકમેળો આ વર્ષે શરૂઆતથી જ ચકડોળે ચઢી ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકમેળામાં રાઈડ્સ અને પ્લોટ- સ્લોટ માટે ફોર્મ વિતરણ અને ભરીને પરત કરવાના સમયની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુદત ફરી વધારાઈ છે. જૂની કલેક્ટર કચેરી ખાતે 26 જૂનથી 10 જુલાઈ સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ પરત કરવાની મુદત 11 જુલાઈ નક્કી કરવામાં આવી છે. પહેલી વખતની મુદતમાં રાઇડ્સ સંચાલકોએ 37 ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ તેમાંથી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યા નથી.238 સ્ટોલ અને પ્લોટ સામે માત્ર 20 જ ફોર્મ ભરાઇને આવ્યા છે. જો રાઈડ્સ સાથેનો મેળો ન થાય તો જે મુખ્ય આકર્ષણ છે તે જ ના રહે. આથી મેળો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
- Advertisement -
એક બાજુ તંત્ર એસ.ઓ.પી.માં રાહત આપવા નથી માગતું તો બીજી તરફ રાઇડ્સ સંચાલકોએ પણ પોતાના નિર્ણય પર કાયમ હોય તેવી સ્થિતિ સર્જી છે. એસ.ઓ.પી.માં રાહત નહિ મળે તો લોકમેળો ભલે યોજાઇ પણ તેઓએ ભાગ નહિ લેવાનો પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. રાઈડ્સ સંચાલકો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળ્યા બાદ બુધવારે કલેક્ટરને મળીને તેની સાથે બેઠક કરવાના હતા, પરંતુ બુધવારે મિટિંગ નહિ થતા હવે સોમવારે બેઠક થશે. જેમાં ચર્ચા-વિચારણા બાદ આગળનો નિર્ણય જાહેર કરાશે. તેમ ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાઈડ્સ માટે આર.સી.સી. મુજબનું ફાઉન્ડેશનનો નિયમ કરવામાં આવ્યો છે. તે કોઇ કાળે શકય નથી. લોખંડનું ફાઉન્ડેશન પહેલેથી જ રાઇડ્સમાં લગાવેલું હોય છે. આર.સી.સી.નું ફાઉન્ડેશન લગાવવા માટે ગ્રાઉન્ડ અગાઉ સોંપવું પડે, પરંતુ તે સમય પણ ઓછો આપવામાં આવે છે. આટલા ઓછા સમયમાં ફાઉન્ડેશન લગાવવું શકય નથી. આ સિવાય રાઈડ્સના બિલ માગવામાં આવે છે. તે આપી શકવા એટલા માટે શક્ય નથી કારણ કે, રાઈડ્સ અલગ-અલગ પાર્ટસ એસેમ્બલ કરીને બનાવવામાં આવી હોય છે. તો દરેક વસ્તુના બિલ રજૂ કરવા શક્ય પણ નથી.
રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ વખતે રાઈડ્સ સંચાલકો સાથેની મડાગાંઠ નહિ ઉકેલાય તો રાઇડ્સ વગરનો મેળો ફિક્કો પડશે તેમ લોકો જણાવી રહ્યા છે. ત્યારે સોમવારે કલેક્ટર સાથેની બેઠકમાં શું નિર્ણય આવશે તે પર સૌ કોઇની મીટ મંડાઈ છે.