ગામડાંઓમાં શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો અને તળાવ સહિતના કામોનું ચેક લિસ્ટ બનાવવામાં આવશે
ક્લાસ વન અને ટુ અધિકારીઓની ટીમ ગામડાંઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા વિકાસ અધિકારી છેલ્લા થોડા સમયથી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના ગામે ગામની સુવિધાઓ ચકાસવા માટે જીલ્લા વિકાસ અધિકારીએ એક ખાસ ટીમ બનાવી છે જેમાં ગામડાઓમાં ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન અને બાંધકામ શાખાના અને તળાવ સહિતના કામોનું ચેક લિસ્ટ બનાવીને 24 અધિકારીઓની એક ટીમ દરેક બે ગામોની ચકાસણી કરશે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં જે જે સુવિધાઓ છે તે યોગ્ય પ્રમાણમાં છે અને આ સુવિધાઓ છે તો ગ્રામજનોને પૂરતો લાભ મળે છે કે કેમ ? સુવિધાઓ નથી તો ત્યાં કેવી રીતે સુવિધા પૂરી કરવી તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત કે તલાટી યોગ્ય સુવિધાઓ ન આપતા હોય તો તેની ખાસ ચકાસણી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતના દરેક વિભાગના કલાસ વન અને ટૂ એમ કુલ 24 અધિકારીઓની એક ટીમ બનાવી છે. આ અધિકારીઓ દરેક બે ગામોની વિઝીટ કરશે અને તે દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ફરજિયાત હાજર રહેવાનું રહેશે જો હાજર નહીં હોય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી થશે.
આ અધિકારીઓની ટીમ જે તે ગામડાઓમાં જઈ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, પશુપાલન તેમજ બાંધકામ શાખાના કામો તેમજ તળાવ સહિતના કામોનું મોનીટંરીગ કરશે. આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતની બહાર મેડિકલ ઓફિસર, દવાખાના, ગ્રામ સેવા, તલાટી, આરોગ્ય સેવક સહિતના ગામલોકોની સુવિધાને લગતા તમામના નંબરો મુકવામાં આવશે. પશુપાલન સહિતના અધિકારીઓની લોકોને ઝડપથી સેવા મળી જાય તેવા પ્રયાસો કરાશે. આ અધિકારીઓ ફોન ન ઉપાડે તો ટીડીઓના નંબર જાહેર કરાયા છે એ કામગીરીનો અહેવાલ ડીડીઓને સોંપવાનો રહેશે અને જો અધિકારીઓની ગામડામાં મુલાકાત દરમિયાન કોઈ ખામી નજર આવશે તો તેની ઘટતી કાર્યવાહી કરાશે અને સુવિધાઓ પુરી કરવા માટે તમામ પ્રયાસો કરાશે જેથી ગામડાઓમાં લોકોને પૂરતી અને યોગ્ય સેવાઓ મળી રહેશે તેમ જણાવ્યું હતું.