આ ખાડામાં જયારે પ્રથમ તરૂણનું મૃત્યુ થયું ત્યારે શહેરના જવાબદાર ડે. મેયરે કેમ યોગ્ય કાર્યવાહી ન કરી ?
પદાધિકારીઓના વોર્ડની આ સ્થિતિ છે તો અન્ય વોર્ડની શું હાલત હશે ?
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ડે.મેયર દર્શિતાબેન શાહના વોર્ડમાં પડેલાં ભયંકર ખાડાએ છેલ્લા ચાર દિવસમાં બે તરૂણનો ભોગ લીધો છે. જયારે ખાડાના લીધે પ્રથમ તરૂણનું મૃત્યુ થયું ત્યારે શહેરના જવાબદાર ડે. મેયરે કેમ યોગ્ય કાર્યવાહી ન કરી તે અંગે પણ પ્રશ્ર્નાર્થ ઉઠી રહ્યા છે.
- Advertisement -
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા સંજયનગરમાં પાણી ભરેલા એક જ ખાડામાં ચાર દિવસમાં વધુ એક તરુણનું ડૂબી જવાથી મોત નીપજ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની પોલીસતંત્ર અને મનપાના અધિકારીઓએ સામાન્ય નોંધ લઈ ખાડો બૂરવાની કે તેની ફરતે આડશ કરવાની તેમજ જવાબદાર સામે કડકરાહે કાનૂનીરાહે કાર્યવાહી કરવાની કોઈ જ તસ્દી લીધી નથી.
બજરંગવાડીમાં રહેતા રિક્ષાચાલક દિલાવરભાઇ ઓઠાનો 14 વર્ષનો પુત્ર શાહિદ ગઇકાલે મિત્રો સાથે સંજયનગરમાં રમવા ગયો હતો. આ સમયે સંજયનગરમાં પાણી ભરેલા ખાડા હોય નહાવાની ઇચ્છા થતા શાહિદે પાણી ભરેલા ખાડામાં ભૂસકો માર્યો હતો. ભૂસકો મારતાં જ પાણી ભરાયેલા ખાડામાં તે ડૂબવા લાગ્યો હતો. અને અંદર કાદવ હોવાને કારણે ખૂંપી જતા તે પાણીમાંથી બહાર આવી શક્યો ન હતો. શાહિદ પાણીમાં ડૂબ્યા અંગેની અન્ય મિત્રોએ તેના પરિવારને જાણ કરતા તુરંત બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને શાહિદને પાણીમાંથી બેભાન હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે શાહિદનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસમથકના પીએસઆઇ પી.એમ.અકવાલિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

- Advertisement -
કાર્યદક્ષ કોર્પોરેટર મનીષ રાડિયાએ ખાડો પુરવા તત્કાળ એકશન લીધા
એક તરફ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે આ જીવલેણ ખાડા તરફ સંપૂર્ણ બેદરકારી દાખવી હતી. ત્યારે બીજી તરફ આ વોર્ડમાં કોર્પોરેટર અને અગાઉ આરોગ્ય સમિતિ તથા બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકે શાનદાર કામગીરી કરનાર સ્ટેન્ડિંગ કમિટિનાં સભ્ય મનીષ રાડિયાએ આ સમસ્યા ઉકેલવા ગજબનાક ત્વરા દાખવી હતી. તેમણે તત્કાળ લાગતા-વળગતાં અધિકારીઓને સૂચના આપી ને આ ખાડો આજે બુરાવી પણ નાખ્યો છે. લોકપ્રશ્ર્નો બાબતે સતત જાગૃત રહેવુંએ કોર્પોરેટરની ફરજ છે. આવી બેદરકારીનાં કારણે તરૂણોનાં જીવ ગયા ત્યાં સુધી ડેપ્યુટી મેયર ઊંઘતા રહ્યાં એ આંચકાજનક બાબત ગણાય.
રોડ-રસ્તા મરામત કરવા ગ્રાન્ટ ફાળવવા રાજકોટ મ્યુનિ.નાં વિપક્ષ નેતાએ CMને પત્ર લખ્યો
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં ભારે વરસાદમાં ધોવાયેલા રોડ-રસ્તા મરામત કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે. રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે સર્વત્ર જિલ્લાઓમાં સીઝનનો સારો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને રાજકોટમાં મેઘરાજાએ મહેર વરસાવી છે.



