જૂનાગઢમાં સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા નવરાત્રીની તૈયારીઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ફાર્મ ખાતે ભવ્ય શ્રીબાઈ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ મહોત્સવના આયોજનકર્તાઓ ભાવેશભાઈ ખોલીયા, સંજયભાઈ બહેચા, રશ્મિનભાઈ શિંગડીયા, રવિભાઈ ભરડવા, અને સાગરભાઇ ભરડવાની યાદીમાં આ માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
મહોત્સવ સ્થળે માતાજીના પંડાલ અને ગર્ભગૃહ માટે સુંદર આકારની રચના કરવામાં આવી રહી છે. ફૂલોથી સજાવટ, આર્ટિસ્ટિક ડેકોરેશન, અને આધુનિક લાઇટિંગ સિસ્ટમ વડે સમગ્ર પરિસરને નવરાત્રીના પાવન રંગોથી ઝળહળતું કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, વિશાળ મેદાનનું સમતલીકરણ, સાઉન્ડ સિસ્ટમની ગોઠવણી, પ્રવેશદ્વારની સુંદર ડિઝાઇન, પાર્કિંગ, અને પાણીની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે સ્વયંસેવક મંડળની રચના અને મેડિકલ સહાય કેન્દ્રની વ્યવસ્થા પણ ઊભી કરાઈ રહી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે આ મહોત્સવ સમાજની સાંસ્કૃતિક એકતા, લોકકલા અને પરંપરાને ઉજાગર કરશે. આ પ્રસંગે, ઘણા વર્ષોથી સાથે રહેતા સાસુ-વહુનું સન્માન પણ કરવામાં આવશે. સમાજના કાર્યકર્તાઓ દ્વારા જ્ઞાતિજનોના ઘરે જઈને વિનામૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ જ્ઞાતિજન સુધી પાસ ન પહોંચી શક્યો હોય, તો તેઓ સ્થળ પર પોતાનું ફોટો આઈ.ડી. કાર્ડ બતાવીને પ્રવેશ મેળવી શકશે. સમાજના કાર્યકર્તાઓની અવિરત મહેનત અને ઉત્સાહને કારણે આ વર્ષનો નવરાત્રી મહોત્સવ વધુ ભવ્ય અને યાદગાર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



