બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સાંધ્ય દૈનિક ‘ખાસ-ખબર’ મીડિયા પાર્ટનર : સામાજીક અને રાજકીય અગ્રણીઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારશે
10 ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામશે : કાલે સવારે 8.30 કલાકે દીપ પ્રાગટ્ય, 9.00 કલાકે પ્રથમ મેચ શરૂ થશે.
ખાસ-ખબર સંવાદદાતા
દશા શ્રીમાળી રાજકોટ સુખડિયા સમાજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ-2021નું આયોજન કરાયું છે. રાજકોટનાં મોરબી રોડ પર આવેલાં રતનપર ગ્રાઉન્ડ પર આ ટૂર્નામેન્ટ આવતીકાલે તા.18ને શનિવારથી રંગેચંગે પ્રારંભ થશે. શનિવારે સવારે 8.30 કલાકે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને 9:00 કલાકે પ્રથમ મેચ શરૂ થશે અને રવિવારે સાંજે ફાઈનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, લીંબડી, ચુડા, અમરેલી, ભાવનગર, બોટાદ, ગોંડલ, મોરબીનાં દશા શ્રીમાળી સુખડિયા સમાજનાં યુવાનો ભાગ લેશે. ટૂર્નામેન્ટની તમામ લીગ મેચ 12 ઓવરની રહેશે તેમજ સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ 14 ઓવરની રહેશે. દશા શ્રીમાળી રાજકોટ સુખડિયા સમાજ દ્વારા આયોજીત આ ટૂર્નામેન્ટમાં રાજકોટથી પ્રકાશિત થતું સાંધ્ય દૈનિક ‘ખાસ-ખબર’ મીડિયા પાર્ટનર છે.
આ ટૂર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટનાં મેયર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ભાજપનાં અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ ભાજપ અગ્રણી અમિનેશભાઈ રૂપાણી ખાસ હાજર રહી ખેલાડીઓનાં ઉત્સાહમાં વધારો કરશે. સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડવા માટે દશા શ્રીમાળી રાજકોટ સુખડિયા સમાજનાં રવિભાઈ શેઠ, હિરેનભાઈ શેઠ, મહેશભાઈ ગોયાણી, તેજસ્વીભાઈ, અશ્ર્વિનભાઈ પઢિયાર, સિદ્ધાર્થભાઈ, નિરવભાઈ ગોયાણી, કૌશિકભાઈ તેમજ વિશાલભાઈ સહિતનાં ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.