મનપા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા તા. 25ના રોજ રાત્રે 8:30 કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલ પ્રસ્તુત સુનહરી સાંજ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ધાટન અધ્યક્ષ અને ઉદઘાટક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદેદારો વગેરે ઉપસ્થિત રહેશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન પરેશભાઈ પીપરીયાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદમાં જન્મેલ દર્શન રાવલ ખૂબ નાની વયે 2013થી સંગીત ક્ષેત્રે રસ ધરાવતા હતા. તાજેત્તરમાં તેમણે અનેક ફિલ્મોમાં ગુજરાતી અને હિન્દી ગીતોમાં પોતાના સૂર આપ્યા છે. હિન્દી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં જબ તુમ ચાહો ગીતથી તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ઉપરાંત તેમણે અનેક બંગાળી, તેલુગુ ગીતમાં પણ પોતાનો સૂર આપ્યો છે. ત્યારે ગુજરાતના સપુત સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલ પ્રસ્તુત મ્યુઝિકલ નાઈટ માણવા શહેરીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.