ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે અનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યચીજોમાં પણ પાંચ ટકા જીએસટી લાદી દેતા વેપારીઓમાં વિરોધનો સૂર છેડાયો છે. ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. અનાજ, કઠોળ, ગોળ પર જીએસટી લગાવાવના વિરોધમાં આજે વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને ગુજરાતમાં પણ વેપારી મંડળ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. દેશભરના 7300 માર્કેટયાર્ડ, 13000 દાળમીલો, 9600 ચોખામીલ, 8000 આટામીલ તથા 3 કરોડ જેટલા અનાજ-કઠોળ તથા અન્ય ચીજોના નાના વેપારીઓ હડતાળમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દ્વારા વિવિધ ચીજોમાં જીએસટી ઝીંકવાના નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી બંધનુ એલાન આપવામાં આવ્યું છે. રાજકોટ માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળના હોલસેલ-રીટેઈલ વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપવાનું જાહેર કર્યુ છે. જેને લઇને હરાજી સહિતના તમામ કામકાજ ખોરવાશે.
- Advertisement -
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું દ્વારા વેપારીઓને સમર્થન આપવામાં આવ્યુ છે. રાજકોટની દાણાપીઠ બજાર આજે બંધ પાળવામાં આવ્યો છે.. કઠોળમાં ૠજઝ લાદવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી દાણાપીઠના વેપારીઓએ બજાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. વેપારીઓનો મત, કઠોળ જીવન જરૂરિયાતની સામગ્રી છે તેમાં જીએસટી ન હોવો જોઇએ.
ગ્રાહકો પર વધશે નાણાંકીય બોજ
વેપારીઓના કહેવા પ્રમાણે સોમવારથી જીએસટીમાં આવતી ચીજો સીધી જ પાંચ ટકા મોંઘી થઈ જશે. ગ્રાહકો પર નાણાંકીય બોજો વધશે જયારે વેપારીઓને જીએસટી રીટર્ન ભરવા સહિતની ઝંઝટનો સામનો કરવો પડશે. તમામે તમામ વર્ગના લોકોને માથે બોજ પડવાનો છે તે સામે વિરોધ દર્શાવવા બંધનું એલાન અપાયુ છે.