અમિત ચાવડાની આગેવાનીમાં સોમનાથથી પ્રારંભ, 13મીએ દ્વારકામાં સમાપન: ’સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ’નો નારો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગુજરાતમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોની પીડાને વાચા આપવા કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂતોની વેદના સાંભળશે અને 13મીએ દ્વારકામાં પૂર્ણ થશે.
- Advertisement -
ગઈકાલે સોમનાથથી નીકળેલી રેલી વેરાવળ, તાલાલા, માળિયા થઈ કેશોદ પહોંચી હતી. ₹ વેરાવળમાં યોજાયેલી સભામાં અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આ યાત્રા જગતના તાતના હક-અધિકારની લડાઈ માટે છે. તેમણે ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોવા છતાં ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ સરકારને ઘેરી હતી. પ્રમુખે તાલાલાના સેમરવાવ દેવળી ગામે ખેતરે જઈ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. કોંગ્રેસે સંપૂર્ણ દેવા માફી, પાક વીમા યોજના અને ખોટી જમીન માપણી રદ કરવાની મુખ્ય માંગણીઓ કરી છે. સભામાં “કુદરત રૂઠી… સરકાર જૂઠી…” અને “ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ… નહીં તો ભાજપ સાફ…” જેવા આક્રમક નારા ગુંજ્યા હતા.



