ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, કોટક ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ અને એચ.એન્ડ એચ.બી. કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ રાજકોટ તથા સાયબર સેલ ડિવીઝન ઓફ પોલીસ ડીપાર્ટમેન્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે 02 સપ્ટેમ્બરના રોજ સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઓડિટોરિયમ હોલમાં બપોરે 12 કલાકે યોજાનાર કાર્યક્રમનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રવર્તમાન સમયમાં લોકો સાયબર ક્રાઈમનો જે રીતે ભોગ બની રહ્યાં છે તે અંગે જાગૃતતા કેળવાય તે હતો.
સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત આરંભમાં એચ.એન્ડ એચ.બી. કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ રાજકોટના સાયબર સેલના નોડલ ઓફિસર ડો. દિલીપ ભાયાણીએ ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો હતો તથા ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્ય ડો.પરેશ રાવલે મુખ્ય વક્તા જે.એમ.કૈલાનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સાયબર સેલ ડિવીઝન ઓફ પોલીસ ડીપાર્ટમેન્ટ, રાજકોટના પી.આઈ. જે.એમ.કૈલાએ પોતાના વક્તવ્યમાં લોકો કઈ રીતે સાઇબર ક્રાઇમનો ભોગ બને છે તેની માહિતી આપી હતી.
સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે, તેના પ્રકારો, સાયબર ક્રાઇમના કાયદાઓની સમજણ આપી હતી તથા આવા ગુનાઓથી બચવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનાં અંતે પ્રશ્નોતરી દરમિયાન વક્તાએ પોતાના સ્વ અનુભવો સાયબર ક્રાઇમ સંદર્ભે વિદ્યાર્થીઓને કહ્યા હતા. આ ઉપરાંત અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પોતાને થયેલા અનુભવો કહ્યાં હતાં. કાર્યક્રમના અંતે એચ.એન્ડ એચ.બી. કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ રાજકોટના સાયબર સેલના કો.ઓર્ડીનેટર ડો.ક્રિષ્ના દૈયાએ સર્વ મહેમાનોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સાયબર સેલના કો.ઓર્ડીનેટર ડો.અશ્વિન બારડ તથા અન્ય અધ્યાપકગણે ભારે જહેમત ઉઠાવી હતી.



