– 15 લાખ ગ્રાહકોનો ડેટા ચોરાયો
ટાટા ગ્રુપની માલિકીની તાજ હોટલ પર 5 નવેમ્બરે કથિત રીતે સાયબર એટેક થયો હતો. તાજ હોટલના લગભગ 15 લાખ કસ્ટમર્સનો ડેટા પોતાની પાસે હોવાનો હેકર્સે દાવો કર્યો છે. હેકર્સે આ ડેટાને પરત કરવા માટે 5000 ડોલર અને ત્રણ શરતો પણ રાખી છે. જોકે, તાજ હોટલ્સ ગ્રુપે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને કસ્ટમર્સનો ડેટા સુરક્ષિત છે. અમે આ અંગે સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરી દીધી છે.
- Advertisement -
સાયબર હેકર્સે કસ્ટમર્સના ડેટાના બદલામાં તાજ હોટલ ગ્રુપ પાસેથી 4 લાખ રૂપિયાથી વધારે (5 હજાર ડોલર)ની માંગણી કરી છે. હેકર્સે તેના ગ્રુપનું નામ ડીએનએ જણાવ્યું છે. હેકર્સે કહ્યું છે કે આ ડેટા હજુ સુધી કોઈને આપવામાં આવ્યો નથી. ડેટા પરત કરવા માટે હેકર્સે ત્રણ શરતો પણ રાખી છે. સૌથી પહેલા હેકર્સે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા કહ્યું છે.
સાથે જ હેકર્સની બીજી માંગ એ છે કે તે ટુકડાઓમાં ડેટા આપશે નહીં. ત્રીજી શરતમાં કહ્યું કે અમારી પાસેથી ડેટાના વધુ સેમ્પલ ન માંગવા. આ હેકર્સે 5 નવેમ્બરે 1000 કોલમ એન્ટ્રીવાળો ડેટા લીક કર્યો હતો. લગભગ 15 લાખ કસ્ટમર આ સાયબર એટેકથી પ્રભાવિત થયા છે. તેમના પર્સનલ નંબર, ઘરનું સરનામું અને મેમ્બરશિપ આઈડી જેવી ઘણી માહિતીઓ હેકર્સ પાસે પહોંચી ગઈ છે. ધમકી આપનારા હેકર્સે કહ્યું છે કે, તેમની પાસે 2014થી 2020 સુધીનો ડેટા છે.