ગૌ-તસ્કરી મામલે મનપા અને વિજિલન્સ સહિત સમગ્ર તંત્રના આંખ આડા કાન
સોખડામાં ચાલી રહ્યું છે મૃત ગાયોના અંગોને કાપી વેચવાનું કૌભાંડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સોખડામાં ગાયનું ચામડું, માંસ, હાડકાં વેચવાનું કૌભાંડ જગજાહેર થયા બાદ હજુ પણ આ ગેરકાનૂની કૃત્ય ચાલી રહ્યું છે. સોખડામાં મનપાની સાઈટ પર અસામાજિક તત્વો પશુઓમાં ખાસ કરીને ગાયનું ચામડું કાઢે, માંસ કાઢે, નસો કાઢે અને આ બધું વેચી નાખે છે. હાડકાંઓને ખુલ્લામાં ફેંકી સૂકાવા દે અને પછી એ હાડકાંઓને પણ વેચી દે છે. આવું છાનેખૂણે નહીં પણ સરાજાહેર ખુલ્લા મેદાનમાં મનપાના કર્મચારીઓની સાઠગાંઠ સાથે ચાલી રહ્યા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા છે. સોખડા ડમ્પિંગ સાઇટ પર મૃત પશુઓને ખાડામાં દફનાવી દેવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, મનપાના કર્મચારીને ત્યાં ફરજ સોંપવામાં આવી છે પરંતુ મનપાના સ્ટાફની મિલીભગતથી મૃત ગૌવંશના તમામ અંગોને કાપીને તેનું વેચાણ કરવામાં આવે છે, એક મીડિયાએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે ક્ધઝર્વન્સી ડિપાર્ટમેન્ટના નિલેશ પરમારે ગૌવંશને કાપનારાઓ સામે ફરિયાદ ન થાય તે માટે કર્મચારી પર હુમલાનું નાટક કરાવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને ઊંધા ચશ્મા પહેરાવી સબ સલામત કરી દેવાની ગુલબાંગો મારી હતી. મનપાની જગ્યા પર કોઇ અનધિકૃત કૃત્ય થતું હોય તો તેને રોકવાની મનપાની વિજિલન્સની પણ એટલી જ જવાબદારી છે, પરંતુ વિજિલન્સના ડીવાયએસપી ઝાલા સહિતનો સ્ટાફ ડમ્પિંગ સાઇટ પર જવાની હિંમત પણ કરતા નથી અને તેમના પાપે આવા ગોરખધંધા અને હિન્દુ સમાજની લાગણી સાથે ખિલવાડ થઇ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
શહેરમાં કોઇપણ પ્રાણીનું મોત થાય એટલે તેના માટે મનપાએ ક્ધઝર્વન્સી વિભાગ શરૂ કર્યો છે જેમાં ફોન કરતાં જ મરેલું પશુ લેવા વાહન આવે છે. આ વાહન સોખડા ડમ્પિંગ સાઈટ જાય છે અને ત્યાં ખાડો ખોદીને મૃત પશુને દાટી દેવાય છે. આ ચોપડા પર થતી કામગીરી છે પણ હકીકતમાં સોખડાની મનપાની સાઈટ પર અમુક અસામાજિક તત્ત્વોનો દાયકાઓથી કબજો છે જે મૃત ગાયોનું ચામડું, માંસ અને હાંડકા વેંચવાનો કાળો કારોબાર કરી રહ્યા છે. ગૌરક્ષકો અને તંત્રને પણ આ કાળા કારોબારની ખબર છે પણ ગાયોને કાપતા શખ્સોને અટકાવવાની હિંમત નથી કરી શકતા. આ શખ્સો તીક્ષ્ણ હથિયારો રાખે છે અને ડમ્પિંગ સાઈટમાં કોનો મૃતદેહ ક્યાં કપાઈને દટાય જાય તે શોધવાથી પણ મળે નહીં એટલે જ અહીં ફરકવામાં પણ બધા ડરે છે. મૃત ગાયના શરીરને ક્ષતવિક્ષત કરતા પોતાની નજરે જોતા ગાયોના મૃતદેહોને અભડાવીને કરાતા કૌભાંડનો પર્દાફાશ મીડિયા દ્વારા કરાયા બાદ પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી જે અત્યંત ચોંકાવનારી બાબત છે.