મિનિમમ બેલેન્સ નહીં જાળવવા બદલ 21000 કરોડ, નિયત કરતા વધુ એટીએમ વ્યવહારો કરવામાં 8000 કરોડ અને એસએમએસ સેવા પેટે 6000 કરોડ ઉસેડી લીધા: રાજયસભામાં નાણાં રાજયમંત્રીનો જવાબ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
સર્વિસથી માંડીને ખાદ્ય ચીજો સુધી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને કોઈ રાહત મળતી નથી ત્યારે તેવો રિપોર્ટ જાહેર થયો છે કે બેંકોએ મીનીમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી 35 હજાર કરોડનો ચાર્જ ઉઘરાવી લીધો હતો.
દેશની જાહેર ક્ષેત્રની બેંકો તથા પાંચ ખાનગી બેંકોએ મીનીમમ બેલેન્સ નહી જાળવવા, એટીએમમાં નિયત કરતા વધુ વ્યવહાર કરવા અને એસએમએસ સેવાના નામે 2018થી અત્યાર સુધીમાં ગ્રાહકો પાસેથી 35000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. રાજયસભામાં એક સવાલના લેખિત જવાબમાં નાણામંત્રાલય દ્વારા આ વિગતો આપવામાં આવી હતી.
નાણા રાજયમંત્રી ડો.ભાગવત કરાડે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્ર તથા ખાનગી બેંકોએ મીનીમમ બેલેન્સની જાળવણી નહી કરવા બદલ ગ્રાહકો પાસેથી 21 હજાર કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા જયારે નીયત કરતા વધુ એટીએમ વ્યવહાર કરવા બદલ 8000 કરોડ અને એસએમએસ સેવા પેટે છ હજાર કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા.
એકસીસ બેંક, એચડીએફસી બેંક, આઈડીબીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક તથા આઈસીઆઈસીઆઈ બેંકમાં તેમાં મોટો હિસ્સો રહ્યો હતો. બેંકો દ્વારા મીનીમમ બેલેન્સ નહી જાળવવા બદલ ચાર્જ ઉઘરાવવામાં આવતો હોય છે. આ જ રીતે એટીએમ વ્યવહારને લાગેવળગે છે ત્યાં સુધી મહિનાના નિયત વ્યવહાર નિશ્ચિત કરાયેલા છે તેના કરતા વધુ વખત એટીએમનો ઉપયોગ કરવામાં આવે તો વધારાનો ચાર્જ વસુલ કરવામાં આવતો હોય છે.
- Advertisement -
મહાનગરોમાં બેંકો 3 હજાર થી 10 હજાર સુધીની મીનીમમ બેલેન્સનો નિયમ રાખતી હોય છે. શહેરી વિસ્તારોમાં 2 હજારથી 5 હજાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 500થી1000નો નિયમ લાગુ હોય છે. આ નિયમનો ભંગ થવા બદલ રૂા.400થી 500નો ચાર્જ વસુલ કરે છે. કેટલીક ખાનગી બેંકો કેસ ટ્રાન્જેકશનથી પણ વસુલ કરે છે.
નાણા રાજયમંત્રીએ જણાવ્યું કે બચત ખાતામાં મીનીમમ બેલેન્સ નહી જાળવવા બદલ પેનલ્ટી વસુલવા રિઝર્વ બેંક દ્વારા જ બેંકોને છુટ આપવામાં આવી છે. જો કે પેનલ્ટીનો દર વ્યાજબી રહે તેની પણ ખાસ કાળજી લેવા કહેવામાં આવ્યુ જ છે.
આ જ રીતે એસએમએસ સેવા માટે પણ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ખર્ચ પેટેના જ ચાર્જની વસુલાત કરવામાં આવે તે જોવા પણ રિઝર્વ બેંક દ્વારા બેંકોને સૂચવવામાં આવ્યું જ છે.
એટીએમને લાગેવળગે છે ત્યાં સુધી ગ્રાહકોને દર મહિને પાંચ એટીએમ વ્યવહારો મફતમાં કરવા દેવામાં આવે છે. તેનાથી વધુ વ્યવહાર થવાના સંજોગોમાં ચાર્જ વસુલ કરવામાં આવતા હોય છે. દરેક વધારાના વ્યવહાર પર રૂા.21નો ચાર્જ વસુલવામાં આવતો હોય છે.
તેઓએ એવી ચોખવટ કરી હતી કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખુલેલા ખાતાઓમાં મીનીમમ બેલેન્સ જાળવવાની કોઈ જરૂરિયાત નથી અને તેમાં કોઈ ચાર્જની વસુલાત કરવામાં આવતી નથી.



