યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના એક અધિકારી પર શંકાની સોઈ
કમિશનર રજા પર હોવાથી પોતાની માનીતી એજન્સીઓને કાર્યક્રમો ફાળવી દીધા
તે અધિકારી એવો બચાવ કરે છે કે સ્થાનિક કલાકારોને કાર્યક્રમો આપ્યા છે પણ સ્થાનિક કલાકારો કાર્યક્રમોથી વંચિત
ખાસ-ખબર ન્યૂઝ સાપુતારા
હાલ રાજ્ય ના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારા ખાતે એક મહિના માટે મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનો મૂળ હેતુ સ્થાનિક લોકોને રોજગારી આપવાનો છે જે ખૂબ સારી બાબત છે. આ વર્ષે આ ફેસ્ટિવલમાં દર શુક્ર, શનિ અને રવિ તથા જાહેર રજાના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની જવાબદારી રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સોંપવામાં આવેલી છે, આ પ્રક્રિયા જ્યારે કરવાની હતી ત્યારે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર તાલીમ માટે બહાર હતા અને તેમની જગ્યાએ જેમને ચાર્જ આપવામાં આવેલો તે અધિકારીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સહેજ પણ જ્ઞાન નહતું. આથી આ આખું મિશન ખૂબ ખુફિયા રીતે કમિશનર કચેરીના જ એક સહાયક નિયામકે પોતાને મજા આવે તે રીતે પાર પાડ્યું. આ કાર્યક્રમો માટે આવેલી વિવિધ અનુભવી એજન્સીઓ ની અધિકૃત દરખાસ્તો ને નજર અંદાજ કરી રૂપિયા 30 લાખ પોતાની માનીતી એજન્સીઓને ખાનગીમાં બોલાવીને વહેચી દીધા. પરિણામે હાલ સમાચાર માધ્યમોમાં આવી રહેલા સમાચારો મુજબ સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ સામે જે પ્રકારના હાસ્યાસ્પદ કાર્યક્રમો પીરસવામાં આવી રહ્યા છે તેનાથી સરકારની આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે.
- Advertisement -
આ અધિકારીનો ભૂતકાળ પણ ગેરરીતિઓથી ખરડાયેલો છે. હાલ ચાલી રહેલી હર ઘર તિરંગા યાત્રામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની લહાણી પોતાની મરજી મુજબ કરી અંદાજિત રૂપિયા 35 લાખનો ધુમાડો આ જ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.
સમાચાર માધ્યમોમાં આવેલા સમાચાર મુજબ સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ માટે બનાવવામાં આવેલ ડોમમાં અચાનક ધારાસભ્ય જઈ ચડયા અને સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ હાજર અધિકારીઓનો ઉધડો લીધો અને આ ગંભીર બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવાની વાત પણ તેમણે ડોમમાં બધાની વચ્ચે કરી.
આ અધિકારી એટલી હદે બેખોફ બનેલા છે કે કોઈપણ સવાલ કરવા જાય એટલે તેમને રોકડું પારખવી દે છે કે હું કોઈ મંત્રી કે અધિકારીઓ થી ડરતો નથી, જે થાય તે કરી લો. તાજેતરમાં 15 ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમના ટેન્ડર વખતે પણ આ અધિકારી દ્વારા ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ આચરવામાં આવેલી તે બાબતે એજન્સી દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરવામાં આવેલી પરંતુ ઉચ્ચ અધિકારીઓ નું ભેદી મૌન ના સમજાય તેવું હતું. રાજકોટની ઘટના બાદ જે રીતે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સામે લાલ આંખ કરવાનું શરૂ કર્યું છે તે જ રીતે આવા સરકારને બદનામ કરતાં અધિકારી સામે મુખ્યમંત્રી ખાતાકીય તપાસ ના આદેશ આપે તેવી માંગ ઉઠી છે.