આજથી જન્માષ્ટમીનાં તહેવારોનો પ્રારંભ
બાળકોના સ્વાસ્થ્ય અને ઓરી અછબડાથી બચાવ માટે માતાઓએ માનતા માની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે નાની શીતળા સાતમ છે. આજથી જન્માષ્ટમીના પાવન પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેની સાથે જ ગુજરાતભરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો છે. ખાસ કરીને રાજકોટમાં આ તહેવારોનું મહત્ત્વ અનેરું હોય છે. આજે નાની શીતળા સાતમના શુભ દિવસે, શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલા સ્વયંભૂ શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દિવસે માતાઓ પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય અને ઓરી-અછબડા જેવા રોગોથી રક્ષણ માટે શીતળા માતાજીની માનતા રાખે છે અને દર્શન કરે છે.
નાની શીતળા સાતમના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. માતાઓ ખાસ કરીને તેમના બાળકોના કલ્યાણ માટે માનતા રાખે છે. જ્યારે બાળકોને ઓરી કે અછબડા જેવું કંઈ થાય, ત્યારે માતાજીની માનતા રાખવાથી હળવાશનો અનુભવ થાય છે અને બાળક જલ્દી સાજુ થઈ જાય છે.
આજના દિવસે વહેલી સવારે ઉઠી નાહી-ધોઈ પવિત્ર થઈ મા શીતળા માતાજીની પૂજા કરી ટાઢુ ખાવાની પરંપરા હોય છે. જો કે વર્ષમાં બે વાર શીતળા સાતમ ઉજવવામાં આવતી હોય છે. બાળકોને ત્વચાના ચેપી રોગથી બચાવવા માટે માતાઓ શીતળા માતાજીની પૂજા કરે છે.
આજના દિવસે મહિલાઓ ઠંડુ અને સૂકી ચીજોનું સેવન કરશે અને શીતળા માતાને પણ આ જ ચીજોનો ભોગ ધરાવી શીતળા માતાને રીઝવશે.