તીર્થ ક્ષેત્ર દામોદર કુંડની અવદશાથી MLA કોરડિયાની નારાજગી
ધારાસભ્ય સંજય કોરડિયાએ કુંડમાં થતી ગંદકી મુદ્દે કમિશનરને લખ્યો પત્ર
- Advertisement -
દામોદર કુંડ પવિત્ર તીર્થ સ્થળમાં ગટરના ગંદા પાણી સાથે સફાઈનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ પ્રાચીન નગરીની સાથે ધર્મ નગરી તરીકે દેશ દુનિયામાં ખ્યાતિ ધરાવે છે ત્યારે શહેરમાં અનેક પ્રાચીન મંદીરો સાથે ધર્મ સ્થાનો આવેલા છે.જેમાં ગીરનાર તળેટીમાં અતિ પ્રાચીન રાધા દામોદર મંદીર આવેલું છે અને મંદીર પાસે પવિત્ર તીર્થ ઘાટ આવેલો છે આ તીર્થ ક્ષેત્રમાં વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતાના સ્વજનના અર્થી વિસર્જન સાથે પિતૃના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરવા ખુબ મોટી સંખ્યામાં પ્રતિ વર્ષ લોકો પધારે છે.ત્યારે દામોદર કુંડના ઘાટ અને શુદ્ધ પાણી વેહતું રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાને કરોડોનું બજેટ મંજુર કરીને દામોદર કુંડનું રીનોવેશન કામગીરી કરવામાં આવી હતી જયારે કરોડોના ખર્ચે દામોદર કુંડનું રીનોવેશન કામગીરી પૂર્ણ થયા બાદ પણ દામોદર કુંડની સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે.અને કુંડના પાણીમાં ગટરના પાણી ભળી જવાની સાથે ગંદુ પાણી હોવાના લીધે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુ ક્ષોભ અનુભવે છે.ત્યારે તાજેતર માંજ કથા વ્યાસ પીઠ પરથી શાસ્ત્રી મનોજભાઈ પુરોહિતનો એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં તેને દામોદર કુંડની અવદશા વિષે સ્થાનિક તંત્રના નેતાઓને ટકોર કરી હતી ત્યારે બાદ હવે ધારાસભ્ય સંજય કોરડીયા પણ ઉવાચ થયા છે અને દામોદર કુંડમાં થતી ગંદકી મુદ્દે જૂનાગઢ મ્યુ.કમિશનરને પત્ર લખીને કુંડમાં થતી ગંદકી મુદ્દે યોગ્ય કરવા રજૂઆત કરી છે.
- Advertisement -
જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, તીર્થક્ષેત્ર એવા દામોદર કુંડની ગંદકીને દુર કરીને કાયમી ધોરણે સફાઈ રાખવા અને ઉનાળામાં પણ દામોદરકુંડમાંથી પાણી વહેતુ રહે તેવી વ્યવસ્થા કરવા અને તેને કાયમી જાળવવા કમિશનર પત્રથી સુચના આપી છે જયારે જૂનાગઢ તીર્થક્ષેત્ર એવા દામોદર કુંડ ઉપર બિરાજતા ઠાકોરજીનો ગત રવિવારે તા.2 જૂનના રોજ જુનાગઢ ખાતે દામોદર કુંડમાં શ્રી ઠાકોરજીના નાવનો મનોરથ હતો. એમાં કુંડમાં જે નાવ ચાર લોકો પાણીમાં ઊભીને ચલાવતા હતા ત્યારે પાણીની અંદર જે ગંદકી રૂપે કાળો દુર્ગંધ યુક્ત કાપ એમના પગમાંથી બહાર નીકળતો હતો અને ભયંકર દુર્ગંધ ફેલાતી જોવા મળેલ.
દામોદર કુંડ અતિ પવિત્ર આધ્યાત્મિક તીર્થક્ષેત્ર ઉપર આવેલો કુંડ છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. દેશભરમાંથી હજારો લોકો અહીં સ્નાન પાન અને દર્શન કરવા માટે આવે છે તો આ કુંડની અને જગ્યાની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ ઉપલબ્ધ કરાઈ હોવા છતાં સફાઈનો અભાવ જોવા મળેલ છે. ખાસ કરીને ચોમાસા સિવાય ઉનાળા જેવી ઋતમાં પાણી સતત વહેતું રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમ જ દર અઠવાડિયે આ કુંડમાંથી સો ટકા સફાઈ થવી જોઈએ દરેક શ્રદ્ધાળુને પાન કરવાની ઈચ્છા થાય એવું ક્લીન કરાવવું જોઈએ.કેમ કે બહારથી લોકો આ સ્થળના દર્શન કરવા આવે છે ત્યાં ની દુર્ગંધ યુકત પાણી અને ગંદકી જોઈને જૂનાગઢ ની અને વહીવટી તંત્રની ખરાબ છાપ લઈને જાય છે. જે આપણા બધા માટે દુ:ખદ બાબત છે એ ખાસ ધ્યાને લઈ કમિશનરને પત્રમાં જણાવેલ છે કે તમે જાતે દરમિયાનગીરી કરી આધ્યાત્મિક પવિત્ર તીર્થ ક્ષેત્રને સ્વચ્છ રાખી તેમની પવિત્રતાને જાળવી રાખવા આયોજન પૂર્વક કાર્યવાહી કરશો તેમ પત્ર લખીને દામોદર કુંડની અવદશા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.
એક તરફ રાજ્ય સરકાર પવિત્ર તીર્થ સ્થાનોની જાળવણી અને સફાઈ સાથે સ્વછતા રહે તેના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને સ્થાનિક સંસ્થાને સોંપવામાં આવે છે ત્યારે આ દામોદર કુંડ પાછળ કરોડો રૂપિયા ખરચ્યા છતાં આજે કુંડમાં ગંદા પાણી સાથે દુર્ગંધ મારતું પાણી હોવાના લીધે શ્રદ્ધાળુમાં રોષ જોવા મળે છે ત્યારે હવે મનપા તંત્રને જગાડવા ધારાસભ્ય સંજય કોરડીયા મેદાને આવ્યા છે અને તંત્રને ઢંઢોળીને યોગ્ય રીતે કામગીરી થયા તેવા પ્રયાસો હાથધર્યા છે.