– લોકશાહીનાં મંદિરમાં પહોંચવા માટે ધન અને બાહુબળની બોલબાલા: 2019માં 543 સાંસદોમાંથી 454 એટલે કે 88 ટકા બેઠકો ઉપર કરોડપતિ જીત્યા હતાં
-266 એટલે કે 43% બેઠકો પર ગુનાઇત છબિવાળા જીત્યા હતા
ખાસ-ખબર ન્યૂ નવી દિલ્હી
- Advertisement -
લોકશાહીના મંદિર એટલે કે દેશની સંસદ સુધી પહોંચવા માટે યોજાયેલી ચૂંટણીમાં પૈસા અને બાહુબળનું વર્ચસ્વ રહે છે. લોકસભાની ચૂંટણીમાં ગુનાહિત ઈમેજ ધરાવતો ઉમેદવાર જેટલો ધનવાન અને વધુ શકિતશાળી હશે, તેની જીતની શક્યતાઓ એટલી જ પ્રબળ છે. દેશની રાજનીતિ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી બિન સરકારી સંસ્થા ’એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’(ARD)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે દરેક લોકસભા ચૂંટણીમાં કરોડપતિઓ અને ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોની જીતની સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોએ 543 લોકસભા સીટોમાંથી 454 એટલે કે 88 ટકા સીટો જીતી હતી. જ્યારે 266 એટલે કે 43 ટકા બેઠકો પર લોકો દ્વારા ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારો ચૂંટાયા હતા.
ARD રિપોર્ટ પર નજર કરીએ તો સ્પષ્ટપણે જણાય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મની અને મસલ પાવર ધરાવતા ઉમેદવારોની જીતની શક્યતાઓ વધુ છે. રિપોર્ટ અનુસાર, 2019માં કુલ 7,945 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમાંથી 29 ટકા એટલે કે 2301 ઉમેદવારો કરોડપતિ હતા, જ્યારે 19 ટકા એટલે કે 1503 ઉમેદવારો ગુનાહિત પૃષ્ઠભૂમિના હતા, જેમની સામે એક અથવા વધુ ફોજદારી કેસ નોંધાયેલા હતા. 2024ની ચૂંટણીમાં પણ 2019ની જેમ કરોડપતિઓ અને ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.
રિપોર્ટ અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કરોડપતિઓ અને ગુનાહિત છબી ધરાવતા લોકો પર વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. આ ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે 189 બેઠકો માટે મતદાન થયું છે અને આ બેઠકો પર ચૂંટણી લડી રહેલા 2,810 ઉમેદવારોમાંથી 18 ટકા એટલે કે 501 ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો છે અને 30 ટકા એટલે કે 840 કરોડપતિ ઉમેદવારો છે.
- Advertisement -
આ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 16 ટકા ગુનાહિત છબી ધરાવતા 28 ટકા કરોડપતિ ઉમેદવારો 19 એપ્રિલે 102 બેઠકો માટે મતદાન માટે મેદાનમાં હતા. 26 એપ્રિલે યોજાયેલા મતદાનમાં 21 ટકા ગુનેગાર ઉમેદવારો મેદાનમાં હતા. અને 33 ટકા કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. 2024ની ચૂંટણીના અન્ય તબક્કાના ઉમેદવારો અંગેના અહેવાલો હજુ પ્રાપ્ત થયા નથી. રિપોર્ટ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવના 15.5 ટકા હતી, જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારની જીતની સંભાવના માત્ર 4.7 ટકા હતી. 2019 માં, કરોડપતિ ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવના 21 ટકા હતી, જ્યારે 1 કરોડ રૃપિયાથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોની જીતવાની સંભાવના માત્ર એક ટકા હતી. તમામ કરોડપતિઓએ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગોવા, પંજાબ, અરુણાચલ પ્રદેશ સહિત 14 રાજ્યોમાં ચૂંટણી જીતી હતી. ઉત્તર પ્રદેશમાં 97 ટકા કરોડપતિઓ, બિહારમાં 95 ટકા, પશ્ચિમ બંગાળમાં 74 ટકા, ગુજરાતમાં 92 ટકા અને ઝારખંડમાં 93 ટકાએ ચૂંટણી જીતી હતી.