ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ વિધાનસભાના 17 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક અને જમીનનું ધોવાણ થતા ભારે નુકશાની થઇ છે. ત્યારે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય આપવા મુખ્યમંત્રીને જૂનાગઢના ધારાસભ્યએ રજૂઆત કરી છે. આ અંગે મુકુંદ હિરપરાએ જણાવ્યુ છે કે, સીએમ ભુપેન્દ્ર પટેલને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્ર પાઠવી જણાવલ કે, જૂનાગઢ અને આસપાસના ગામોમાં અતિભારે વરસાદના કારણે ખેતીની જમીન અને પાકોનું ધોવાણ થયેલ છે હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોની જમીન અને પાકનું ધોવાણ થતા પારાવાર નુકશાન થવા પામેલ છે.
આ ઉપરાંત સોડવદર, ઘુડવદરમાં ગિરનાર ઉપરથી નદીઓ નાળાઓના પુરજોશથી વરસાદી પાણી આવવાના કારણે આ વિસ્તારમાં પણ ખેડૂતોની જમીનો અને પાકનું ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થતા ખૂબ નુકશાન થવા પામેલ છે. જમીન ધોવાઇ ગઇ હોય છે જે સરખી કરવા મોટો ખર્ચ અને મહેનત માગી લે છે જે ઘ્યાને લઇ આ વિસ્તારમાં તાત્કાલીક સર્વે કરાવડાવી વાસ્તવીક નુકશાની વાળા કિસ્સાઓમાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.



