ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલમાં જ પડેલા ખુબ સારા વરસાદનાં પગલે પાક-પાણીનું ચિત્ર ઉજળુ બની ગયું છે. ખાસ કરીને પાણીની સમસ્યા મહદ અંશે હલ થઇ ગઇ છે. અનેક ડેમોમાં પણ એક વર્ષનું પાણી ઠલવાઇ ગયું છે અને 25થી વધારે ડેમો ઓવરફલો થઇ ગયા છે. દરમ્યાન રાજકોટ સિંચાઇ વર્તુળનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર સૌરાષ્ટ્રનાં જળાશયોમાં હાલમાં 50 થી 60 ટકા જેટલો જળસંગ્રહ પણ થઇ ગયો છે અને સૌરાષ્ટ્રનાં 18 જેટલા ડેમોમાં આજની સ્થિતિએ 100 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. સિંચાઇ વિભાગ પાસેથી મળતી વધુ વિગતો અનુસાર રાજકોટ જિલ્લામાં આવેલા 27 ડેમોમાં હજુ તો ચોમાસુ અર્ધુ પણ ગયુ નથી ત્યાં સરેરાશ 63 ટકા પાણી સંગ્રહ થઇ ગયો છે અને 6 ડેમોમાં 100 ટકા પાણી આવી ગયું છે.
જે ડેમોમાં 100 ટકા પાણી આવી ગયું છે તેમાં મોજ, ફોફળ, સોડવદર, વેરી, ન્યારી-1 તથા લાલપરીનો સમાવેશ થાય છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં પણ 25.30 ફુટ સાથે 75 ટકા પાણી આવી ગયુ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાનાં 10 ડેમોમાં 50 ટકા પાણી આવી ગયું છે અને એક ડેમ પુરો ભરાઇ ગયો છે. તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળસંગ્રહ જામનગર જિલ્લાના 22 ડેમોમાં 66 ટકા થઇ ગયો છે. તેમજ સાત ડેમો 100 ટકા ભરાઇ ગયા છે.
- Advertisement -
જોકે દ્વારકા જિલ્લાનાં જળાશયોમાં હજુ ખાસ નવા પાણીની આવક થઇ નથી આ જિલ્લાનાં 12 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 16.37 ટકા પાણી આવ્યું છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં 48 ટકા જેટલો જળસંગ્રહ થઇ ગયો છે અને ત્રણ ડેમોમાં 100 ટકા પાણી આવી ગયું છે.