રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ
5 મહિના બાદ યોજાયેલી બેઠકમાં 39 કેસનું હિયરીંગ થયું, 29 કેસ દફ્તરે કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાંચ મહિના બાદ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કુલ 39 કેસનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5 કેસમાં ફોજદારી ફરિયાદ નોંધવા કલેક્ટરે હુકમ કર્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારના 3 કેસ અને શહેરી વિસ્તારના 2 કેસનો સમાવેશ થાય છે. સરકારી જમીનના 2 સહિત ગ્રામ્ય વિસ્તારના 3 કેસ તથા શહેરી વિસ્તારના 2 કેસ મળી કુલ 5 કેસમાં ફરિયાદ નોંધવાનો જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ હુકમ કર્યો હતો. જ્યારે પાંચ કેસ પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરાયો હતો. 29 કેસ દફ્તરે કરવામાં આવ્યા હતા. એટલે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિના નિર્ણય મુજબ પાંચ કેસમાં ટૂંક સમયમાં ફોજદારી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરાશે.
80 કેસનું હિયરિંગ બાકી: આવતા સપ્તાહે યોજાય તેવી શક્યતા
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના 120 પેન્ડિંગ કેસમાંથી 39 કેસનું હિયરિંગ થતા 80 જેટલા કેસનું હિયરિંગ હજુ પણ બાકી છે. આ કેસના હિયરિંગ માટે આવતા સપ્તાહમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાશે અને કમિટીની ચર્ચા બાદ તેનું નિરાકરણ કરવામાં આવશે.